Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ત્રિપલ તલાક : સૂચિત બિલમાં સજાની જોગવાઈઓનો વિરોધ

કોંગ્રેસ, ટીએમસી, એનસીપી દ્વારા ઉગ્ર વિરોધ : બિલને સર્વપક્ષીય સમિતિમાં મોકલી દઇને તમામ પાસા પર વધુ વિચારણા કરવા પર સીપીએમ દ્વારા ભાર મુકાયો

નવીદિલ્હી, તા. ૨૭ : ત્રિપલ તલાકને અપરાધિક પ્રથા જાહેર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો એક બાજુ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ડાબેરી, કોંગ્રેસ, ટીએમસી અને એનસીપી સહિત વિરોેધ પક્ષ પણ આનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક ચુકાદામાં ત્રિપલ તલાકને અમાન્ય અને ગેરકાયદે જાહેર કર્યો હતો. ત્યારબાદ સરકાર હવે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કાયદો બનાવવા જઇ રહી છે. મુસ્લિમ હ્યુમન દ્વારા બિલમાં ત્રિપલ તલાકની પીડિતોને વળતરની પણ જોગવાઈ કરવામાં આવી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ સહિત તમામ મુસ્લિમ સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે. બીજી બાજુ સરકાર આ બિલને રજૂ કરવા માટે મક્કમ છે. જો કે, આ બિલને સંસદીય સમિતિને સોંપવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. બિલને આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના ૨૨મી ઓગસ્ટના ચુકાદા બાદ આ બિલને તૈયાર કરવામાં આવ્યું છે. ૨૨મી ઓગસ્ટના દિવસે સુપ્રીમ કોર્ટે આને ગેરકાયદે જાહેર કરીને ખળભળાટ મચાવ્યો હતો. બિલના મુસદ્દાને પહેલી ડિસેમ્બરના દિવસે રાજ્યોને વિચાર માટે મોકલવામાં આવ્યું હતું. ૧૦મી ડિસેમ્બર સુધી જવાબ માંગવામાં આવ્યો હતો. ટીએમસીએ ત્રિપલ તલાક પર પ્રતિબંધનો વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસ, એનસીપી અને ડાબેરીઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે પરંતુ સૂચિત કાયદામાં સજાની જોગવાઈને લઇને વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું છે કે, કેન્દ્ર સુપ્રીમ કોર્ટના ચુકાદાની આડમાં એક એવી ચીજને અપરાધિક બનાવવા ઇચ્છુક છે જેની હજુ સુધી મંજુરી ન હત. મોટાભાગની પાર્ટીઓનું કહેવું છે કે, હજુ બિલને લઇને અભ્યાસ કરી રહ્યા છે. સીપીએમના સાંસદ મોહમ્મદ સલીમ કહી ચુક્યા છે કે, સજાની જોગવાઈ ચિંતાની બાબત છે. બિલને સંસદની એક સર્વપક્ષીય કમિટિને મોકલવા માટે અપીલ કરવામાં આવી છે. આમા અન્ય પાસાઓ ઉપર ચર્ચા કરવાની જરૂર હોવાની વાત કરવામાં આવી છે. સલીમનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટ પહેલાથી જ ત્રિપલ તલાક ઉપર પ્રતિબંધ મુકી ચુકી છે. આવી સ્થિતિમાં આ પ્રકારના બિલની કોઇ જરૂર દેખાઈ રહી નથી. બીજુ જનતાદળ અને એનસીપીએ પણ કહ્યું છે કે, સૂચિત કાયદામાં સજાની જોગવાઈનો વિરોધ કરવામાં આવશે.

(7:35 pm IST)