Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કેન્દ્રીય મંત્રી હેગડેની જીભ કાપી લાવનારને દલિત આગેવાને જાહેર કર્યું ૧ કરોડનું ઇનામ

'બંધારણમાં સમયના પરિવર્તન સાથે બદલાવની જરૂર છે, જે લોકો એમ કહે છે કે તેઓ સેકયુલર છે તેઓ પોતાના પૂર્વજો અંગે જાણતા નથી' તેમના આ વિધાને વિવાદનો નવો વંટોળ ઉભો કર્યો છે

બેંગલુરૂ તા. ૨૭ : કર્ણાટકના કલાબુર્ગી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને દલિત આગેવાન ગુરુશાંત પાટેદરે કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેની જીભ કાપનારને રૂ. ૧ કરોડનું ઇનામ જાહેર કર્યું છે. રવિવારે કર્ણાટકમાં હેગડેએ એક જાહેરસભામાં કહ્યું કે, 'બંધારણમાં સમયના પરિવર્તન સાથે બદલાવની જરૂર છે. જે લોકો એમ કહે છે કે તેઓ સેકયુલર છે તેઓ પોતાના પૂર્વજો અંગે જાણતા નથી.' તેમના આ વિધાને વિવાદનો નવો વંટોળ ઉભો કર્યો છે.

પાટેદર અસદુદ્દીન ઓવેસીની મજલિસ-એ-ઈત્ત્।ેહાદુલ મુસલીમીન પાર્ટીનો સભ્ય છે. 'હેગડેના નિવેદનથી દલિત, મુસ્લીમ અને અન્ય પછાત જ્ઞાતિઓની લાગણી દુભાઈ છે. આ કારણે મે આ ઇનામની જાહેરાત કરી છે. આ મારા વ્યકિતગત પૈસા છે જે હું હેડગેની જીભ કાપનાર વ્યકિતને આપીશ.' તેણે વધુમાં કહ્યું કે, મારી આ જાહેરાત અંગે ઓવેસીએ મને ફોન પણ કર્યો હતો અને મારી પ્રશંસા કરી હતી.

કેન્દ્રીય પ્રધાન હેગડેએ રવિવારે કર્ણાટકમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, 'પોતાની જાતને બુદ્ઘીજીવીઓ અને ધર્મનિરપેક્ષો ગણાવતા લોકો કે જે ધર્મમાં નથી માનતા તેઓને પોતાના પૂર્વજોની જ જાણકારી હોતી નથી. મને એવા લોકો સામે વિરોધ નથી કે જેઓ કહે છે કે હું મુસલમાન છું કે ક્રિશ્ચિન છું કે લિંગાયત છું. પરંતુ ધર્મનિરપેક્ષ લોકો મુરખ હોય છે. આજકાલ કેટલાક લોકોએ એક નવી ટ્રેડિશન શરુ કરી છે. જેમાં તે લોકો પોતાને ધર્મનિરપેક્ષ તરીકે ઓળખાવે છે અને હું આનો વિરોધ કરું છું.' હેગડે કુકનુર ખાતે બ્રાહ્મણ યુવા પરિષદના એક કાર્યક્રમમાં બોલતા હતા.

તેમણે કહ્યું કે, 'બંધારણ આજે પણ દશકાઓ જૂના આમ્બેડકરના વિચારોના આધારે ચાલે છે. જેને હકીકતમાં સમય સમય પર માગ પ્રમાણે બદલતા રહેવાની જરુર છે.' તેમના આ નિવેદનને પગલે કર્ણાટક દલિત યુવા સંગઠનના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન શરુ કર્યા છે. તેમણે માગણી કરી છે કે હેગડેને તાત્કાલિક પ્રધાનપદ પરથી દૂર કરવામાં આવે. તેમજ તેમણે હેગડેનું પૂતળું પણ બાળ્યું હતું.

(3:55 pm IST)