Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મોદીની સુરક્ષામાં થઇ હતી ગંભીર ચુકઃ કાફલો રસ્તો ભૂલી ગયો હતો

યુપી પોલીસ પર યોગી આદિત્યનાથ નારાજ : સમગ્ર ઘટનાક્રમ વિશે ચર્ચા-વિચારણા કરાઇ હતી

નવી દિલ્હી તા.૨૭ : નોએડામાં મેટ્રોની મેજેંટા લાઈનનું ઉદઘાટન કરવા માટે ૨૫ ડિસેમ્બર (સોમવાર)એ નોએડા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂક થઈ હતી. જેનો ખુલાસો હવે થયો છે. એમિટી યૂનિવર્સિટી ખાતેના સભાસ્થળેથી નિકળીને બોટેનિકલ ગાર્ડનમાં આવેલા હેલિપેડ જતી વખતે વડાપ્રધાનનો કાફલો રસ્તો ભટકી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો નિર્ધારીત રૂટના બદલે બીજા જ રૂટ પર જતો રહ્યો હતો, જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત અન્ય તમામ વીવીઆઈપી મહામાયા ફ્લાઈઓવર પર જામમાં ફસાઈ ગયા હતાં. તેમના કાફલાની આગળ બસ તથા કેટલાક મોટરસાઈકલ આવી ગયા હતાં. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવી દેવો પડ્યો હતો. આ દ્યટનાક્રમથી વડાપ્રધાનની સાથે ચાલી રહેલા ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રોષે ભરાયા હતા અને તેમને અધિકારીઓને ખખડાવી નાખ્યા હતાં.

યોગી આદિત્યનાથના ઠપકા બાદ તત્કાળ અન્ય વાહનોને હટાવીને વડાપ્રધાનનો કાફલાને બહાર કાઢવામાં આવ્યો હતો. આ ગંભીર ચૂકની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ગંભીર બેદરકારી દાખવવા બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્ઘ કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુંસાર સોમવારે બપોરે ૨:૩૩ વાગ્યે એમિટી યૂનિવર્સિટી ખાતેથી નિકળેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી કાફલાને એચસીએલ કટથી એકસપ્રેસ વે પર જવાનું હતું. એમિટીથી નિકળીને એચસીએલ પાસે બે અંદરના રસ્તા પડે છે. પહેલા રસ્તાની બાદ ૨૦૦ મીટર બાદ બીજો એક રસ્તો આવે છે. વડાપ્રધાનના કાફલાને બીજા રસ્તેથી જવાનું હતું, પરંતુ આખો કાફલો પહેલા રસ્તે થઈને આગળના રૂટ પર ચાલ્યો ગયો. આ રૂટ પર વડાપ્રધાનની સુરક્ષા માટે ફોર્સ તૈયાત ન હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાની જવાબદારી આઈપીએસ નિતિન તિવારીની હતી. તેમની સાથે અન્ય અધિકારીઓ પણ હતાં. વડાપ્રધાનના કાફલાને ધ્યાનમાં રાખીને તેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાનની સુરક્ષામાં ચુક, રૂટ ભટકી જવો અને જામમાં ફસાઈ ગયાની જાણકારી જીલ્લા અધિકારી બીએન સિંહને આપવામાં આવી ન હતી. ગઈ કાલે મંગળવારે બીએન સિંહે કહ્યું હતું કે તેમને આ બાબતની કોઈ જ જાણકારી નથી.

વડાપ્રધાનનો કાફલો રૂટ ભટકી જવાથી લઈને ભારે ટ્રાફિકમાં ફસાઈ જવાની દ્યટનાથી મુખ્યમંત્રી આદિત્યનાથની નારાજગીથીએ લખનૌ સુધી પોલીસ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. મંગળવારે આખો દિવસ આખો પોલીસ અધિકારીઓ સમગ્ર ઘટનાક્રમ વિષે ચર્ચા વિચારણા કરી હતી.

જયારે એસએસપી લવ કુમારનું કહેવું છે કે, વડાપ્રધાનસ માત્ર બે મિનિટ માટે જામમાં ફસાયા હતાં. તેથી મુખ્યમંત્રીની નારાજગી સ્વાભાવિક છે. સમગ્ર મામલોએ થયેલી ભૂલ માટે એસપી સિટીને તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યાં છે. રિપોર્ટ આવ્યા બાદ વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચુક માટે દોષિત અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્ઘ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(4:30 pm IST)