Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ફી મામલે હવે નહીં ચાલે શાળાઓની ઘરની ધોરાજી

વાલીઓને રાહત-શાળા સંચાલકોને ફટકાર શાળાઓ નફાખોરી કરી ન શકેઃ કાયદા મુજબ લેવી પડે ફી

મોંઘીદાટ ફી ભરી નહિ શકતા વાલીઓને રાહતઃ શાળા સંચાલકોને ગુજરાત હાઇકોર્ટની ફટકારઃ ફી નિર્ધારણ કમિટિને પણ બંધારણીય ઠેરવી : રાજ્ય સરકારને ફી અંગે કાયદો ઘડવાની સત્તાઃ ચુકાદા સામે સ્ટેની શાળા સંચાલકોની માંગણી પણ ફગાવાઇ : ખાનગી શાળાઓએ ફી વધારા માટે કમિટિ સમક્ષ ૬ સપ્તાહમાં રજૂઆત કરવી પડશે

અમદાવાદ તા. ૨૭ : બેફામ ફી વસૂલતી સ્કૂલો પર લગામ કસવા ગુજરાત સરકારે બનાવેલા ફી નિર્ધારણના કાયદાને રદ્દ કરવાનો હાઈકોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. કોર્ટના આ ચુકાદાથી મધ્યમ વર્ગના એ તમામ વાલીઓને મોટી રાહત મળી છે કે જેઓ સ્કૂલોની મોંઘીદાટ ફી ભરી શકવા સક્ષમ નથી. આ કાયદા સામે કેટલીક સ્કૂલોએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું છે કે, આ કાયદાથી બંધારણનું હનન નથી થયું અને કાયદો તેની રીતે બિલકુલ યોગ્ય છે.

ફી નિર્ધારણ કાયદાને બહાલી આપતા હાઈકોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, સ્કૂલો નફાખોરી કરી શકે નહીં. આ ઉપરાંત, તેના પર સ્ટે આપવાનો પણ કોર્ટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ કાયદો ૨૦૧૮થી લાગુ પડશે. કોર્ટે આપેલો આ ચુકાદો શાળાના સંચાલકો માટે આંચકા સમાન મનાઈ રહ્યો છે.

મહત્વનું છે કે, આ વર્ષે ગુજરાત સરકારે ફી નિર્ધારણ કાયદો વિધાનસભામાં પસાર કર્યો હતો, જેને ગવર્નરે પણ મંજૂરી આપી દીધી હતી. જોકે, પ્રાઈવેટ સ્કૂલોએ તેનો અમલ કરવામાં વાંધો વ્યકત કર્યો હતો. કેટલીક સ્કૂલોએ આ કાયદા અનુસાર ફી લીધી હતી, પરંતુ તેનો અમલ ન કરી તેનો વિરોધ કરનારી સ્કૂલોની સંખ્યા પણ મોટી છે.

આ કાયદા અનુસાર, પ્રાથમિક શાળાઓની વાર્ષિક ફી ૧૫,૦૦૦ રૂપિયા, માધ્યમિક શાળાની ફી ૨૫,૦૦૦ રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ફી રૂ. ૨૭,૦૦૦થી વધારે રાખી ન શકાય. આ કાયદાનો ભંગ કરનારી સ્કૂલોને પાંચ લાખ રુપિયાના દંડની પણ જોગવાઈ છે.

જે પણ શાળાઓ કાયદામાં નક્કી કરાયેલી ફી કરતા જો વધારે ફી લેવા માગતી હોય તો તેમણે રાજય સરકારે નક્કી કરેલી ફી નિર્ધારણ કમિટિ સમક્ષ પોતાની રજૂઆત કરી પોતે ફી કેમ વધારે લેવા માગે છે તે અંગે વિસ્તૃત અહેવાલ આપવાની જોગવાઈ પણ આ નિયમમાં છે. જોકે, ફી નિર્ધારણ કમિટિ સમક્ષ જવાને બદલે ૪૫૦ જેટલી સ્કૂલોએ હાઈકોર્ટમાં તેની સામે અપીલ કરી હતી.

કોર્ટમાં જનારી સ્કૂલોનો દાવો હતો કે, આ કાયદો શાળાઓની શાળા ચલાવવાના વ્યવસાયની સ્વાયતતા અને મૂળભૂત અધિકાર પર તરાપ મારે છે. પીટીશનોમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે CBSE સંચાલિત શાળાઓને આ કાયદા હેઠળ આવરી લેવાનો વિષય રાજય સરકારની સત્ત્।ાની બહારનો હોવાથી તે ગેરબંધારણીય છે.

ગુજરાત હાઈકોર્ટે આખરે ફી નિયમન અંગેના સરકારના નિર્ણયને માન્ય રાખ્યો છે. ગુજરાત હાઈકોર્ટે વાલીઓને રાહત આપતા નિર્ણય કર્યો છે કે, ગુજરાત સરકારે જે ફી નિયમનનો કાયદો બનાવ્યો છે, તે ખાનગી શાળાઓએ માન્ય રાખવો પડશે.

ગુજરાત હાઈકોર્ટે વાલીઓ અને સંચાલકો તરફથી કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં વાલીઓના તરફેણમાં ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ફી નિયમન કાયદાને બંધારણીય ગણાવ્યો છે. હાઈકોર્ટના ચુકાદા બાદ હવે ખાનગી શાળાના સંચાલકો મનસ્વી રીતે ફી ઉઘરાવી શકશે નહીં. ચુકાદા બાદ સંચાલકોને ફટકો પડ્યો છે, તો વાલીઓને રાહત મળી છે.

આજે ફી નિયમનના કાયદાને લઈને ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. રાજય સરકારે સ્કૂલોમાં ૩ સ્લેબમાં ફી અંગે ઘડેલા કાયદાને સ્કૂલ સંચાલકો તરફથી સતત અવગણવામાં આવે છે, તેવો વાલીઓ આરોપ મૂકી રહ્યા છે. રાજયમાં ઘણી જગ્યાએ વાલીઓએ વધારેલી ફીનો વિરોધ કર્યો હતો.

વાલીઓનો આક્ષેપ છે કે, સ્કૂલના સંચાલકો નિયમોને ઘોળીને પી ગયા છે અને મનસ્વી રીતે ફી ઉઘરાવે છે. એટલું જ નહીં વાલીઓની સામે ખાનગી શાળાના સંચાલકોએ સરકારના ફી નિયમન કાયદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

બીજી તરફ સંચાલકોની સામે વાલી મંડળોએ પણ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે વાલીઓ અને શાળા સંચાલકો નિર્ણયની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટ આ તમામ અરજી અંગે ચુકાદો આપશે તેવી શકયતા સેવાઈ રહી છે.

(3:12 pm IST)