Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

પેટ્રોલ - ડિઝલના ધીમી ગતિએ વધતા ભાવઃ ગ્રાહકોના ગજવા હળવા થાય છે

ક્રુડ ઓઇલની ડિમાન્ડ વધવાને કારણે તેમજ ઓપેસ અને રશિયાએ ક્રુડના પ્રોડકશનમાં કાપ મૂકતા તેની કિંમતો ઉંચકાઇ છે

નવી દિલ્હી તા. ૨૭ : દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી એક વાર આસમાનને આંબી રહ્યા છે. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ ૬૯ રૂપિયે લિટરની આસપાસ પહોંચી ગયા છે, જયારે ડીઝલ ૬૨.૨૩ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો હવે રોજેરોજ બદલાઈ રહી છે, ત્યારે ધીમી ગતિએ થતો આ ભાવવધારો ચૂપચાપ લોકોના ખિસ્સાં હળવા કરી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રુડ ઓઈલની ડિમાન્ડ વધવાને કારણે તેમજ ઓપેસ અને રશિયાએ ક્રુડના પ્રોડકશનમાં કાપ મૂકતા તેની કિંમતો ઉંચકાઈ છે. જેના કારણે ભારતમાં પેટ્રો અને ડીઝલની કિંમતો ફરી એક વાર વધી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે ભારે ઉહાપોહ થતાં સરકારે તેના પર લાગતી એકસાઈઝ ડ્યૂટી ઘટાડી હતી, અને રાજય સરકારોને પણ તેના પર લાગતો વેટ ઘટાડવા કહ્યું હતું, જેના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દોઢ-બે રૂપિયા જેટલો ઘટાડો થયો હતો.

અમદાવાદમાં હાલ પેટ્રોલના ભાવ ૬૯ને આંબવા આવ્યા છે, જે હજુ ૧૮ ડિસેમ્બર સુધી ૬૮ રૂપિયાન આસપાસ હતા. ઓકટોબરમાં અમદાવાદમાં પેટ્રોલ ૭૨.૪૮ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું હતું, જયારે જુન ૨૦૧૭માં તેનો ભાવ ૬૫ રૂપિયાની આસપાસ હતો. અમદાવાદ ઉપરાંત, વડોદરા, સુરત, રાજકોટ સહિતના ગુજરાતના મોટાભાગના શહેરોમાં પેટ્રો ૬૯ રૂપિયાની સપાટીને સ્પર્શવા આવ્યું છે.

દેશભરમાં જીએસટી ભલે લાગુ પડી ગયો હોય, પરંતુ પેટ્રોલ અને ડીઝલ પર હજુ સુધી જીએસટી નથી લાગતો, જેથી દરેક રાજયમાં તેની કિંમત જુદી-જુદી હોય છે. અમેરિકામાં આવેલા વાવાઝોડાંને કારણે ક્રુડના ભાવમાં ઓકટોબરમાં ભડકો થયો હતો. તે સમયે પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકારે એકસાઈઝ ડ્યૂટીમાં બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.

હાલ ગુજરાતમાં પેટ્રોલ પર પ્રતિ લિટરે ૧૨.૬૬ રૂપિયા અને ડીઝલ પર ૧૨.૬૪ રૂપિયા પ્રતિ લિટર વેટ લેવામાં આવે છે. આ વેટ ટકાવારી પ્રમાણે લેવાય છે, મતલબ કે પેટ્રોલ-ડીઝલની કિંમત વધે કે ઘટે તે અનુસાર વેટમાં પણ વધારો-ઘટાડો થતો રહે છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકાર પેટ્રો પર ૨.૫ ટકા કસ્ટમ અને ૧૯.૪૮ રૂપિયા પ્રતિ લિટર એકસાઈઝ ડ્યૂટી લે છે. જયારે ડીઝલ પર ૨.૫ ટકા કસ્ટમ અને ૧૫.૪૩ રૂપિયા પ્રત લિટર એકસાઈઝ ડ્યૂટી લેવાય છે.        

પેટ્રો અને ડીઝલ પર નાખેલા કરવેરાના આધારે કેન્દ્ર સરકારને વર્ષે ૨.૭૩ લાખ કરોડ રૂપિયાની તગડી આવક થાય છે, જેમાંથી રાજયોને ૧.૮૯ લાખ કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. હાલની તારીખે મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલ પર સૌથી વધુ વેટ લેવાય છે, જયારે સૌથી ઓછો વેટ લેતા રાજયોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવ છેલ્લા છ મહિનામાં ૪૨ ટકા વધીને ૬૫ ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચ્યા છે. ક્રુડનું ઉત્પાદન કરતા દેશોના સંગઠન ઓપેક અને રશિયાએ ૨૦૧૮ના અંત સુધી ક્રુડના પ્રોડકશનમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે, જેથી ક્રુડની કિંમત જળવાઈ રહે. મહત્વનું છે કે, ક્રુડનું ઉત્પાદન વધી જતાં ૨૦૧૪માં ક્રુડના ભાવમાં જંગી કડાકો બોલાયો હતો. હાલ તેની કિંમતો જાળવી રાખવા તેના પ્રોડકશનમાં ૧૮ લાખ બેરલ પ્રતિદિનનો ઘટાડો કરવાનું નક્કી કરાયું છે.

જો ક્રુડની કિંમત આ જ રીતે વધતી રહી તો ભારતને તેનો મોટો બોજ સહન કરવાનો આવશે. ક્રુડ મોંઘું થતાં દેશનું આયાત બિલ વધી જશે અને ફુગાવો પણ વધશે. જો ફુગાવો વધે તો રિઝર્વ બેંક વ્યાજના દરમાં ઘટાડો નહીં કરે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૨ ટકા ક્રુડ આયાત કરે છે. જો પેટ્રોલ-ડીઝલ મોંઘા થાય તો સરકાર પર તેના પર વસૂલાતા ટેકસને ઘટાડવાનું દબાણ પણ વધશે, જેના કારણે બજેટ પણ ખોરવાશે.

(3:12 pm IST)