Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

હવે EVM વિરૂધ્ધ શેરી આંદોલન નહિ થાય તો ર૦૧૯માં લોકતંત્રની અર્થી ઉઠશે

સુપ્રિમ કોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણે ઇવીએમ સાથે છેડછાડ થયાનો કર્યો ધડાકો

નવી દિલ્હી તા.ર૭ : ગુજરાતની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ વિપક્ષ અને અન્ય લોકોએ ફરી એક વખત ઇવીએમને લઇને અનેક સવાલો ઉભા કર્યા છે. ગુજરાતની ચૂંટણીને ચૂંટણી પંચ દ્વારા બે વખત ટાળવી અને ફરી ઉ.પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓની મત ગણતરી પહેલા કરાવી પરિણામો જાહેર કરવાની બાબત શંકા ઉપજાવે છે અને આ બધી બાબતોને લઇને ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ચૂંટણી જીતતા જીતતા હારી ગઇ છે અને આ પરાજય કોંગ્રેસના નેતાઓ અને વિપક્ષ સહન કરી શકતા નથી.

ગુજરાતના પરાજય બાદ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણે ટવીટ્ કરીને ઇવીએમ મશીનો પર નિશાન સાધ્યુ છે. તેમણે ટવીટ્ કરીને લખ્યુ છે કે હવે ઇવીએમ વિરૂધ્ધ શેરીઓમાં આવીને આંદોલન નહી થાય તો ર૦૧૯માં દેશમાંથી લોકતંત્રની અર્થી ઉઠશે અને આ માટે જવાબદારી ભારતના નબળા વિપક્ષો લેશે.

તેમણે ઇવીએમમાં છેડછાડની પણ સંભાવના વ્યકત કરી છે. તેમણે કહ્યુ છે કે એક ચીપ બદલાવીને આ કામ થઇ શકે છે પરંતુ આ માટે અત્યંત ગુપ્તતા રાખવી પડશે. આપમાં પરત જવાના સવાલને ફગાવી દેતા તેમણે કહ્યુ છે કે હવે આપ એક આદમીની પાર્ટી બની ગઇ છે અને પક્ષમાં ઘણી સમસ્યા છે. કેજરીવાલને ઓળખવામાં અમારી ભુલ થઇ ગઇ છે.

(4:32 pm IST)