Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ટોર્ચની લાઇટમાં ૩૨ દર્દીઓની આંખના ઓપરેશન કરાયા

યુપીમાં ફરી આરોગ્ય સાથે ચેડાઃ ઉન્નાવના હેલ્થ સેન્ટરની ઘટના

ઉન્નાવ તા. ૨૭ : ઉત્ત્।ર પ્રદેશમાં ફરી એક વાર સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓનાં સ્વાસ્થ્ય સાથે ચેડાંનો મામલો સામે આવ્યો છે. અહીં ઉન્નાવ જિલ્લાના એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં ટોર્ચની લાઇટમાં ડોકટર્સે ૩૨ દર્દીઓની આંખનાં ઓપરેશન કર્યાં હતાં. એટલું જ નહિ, ઓપરેશન બાદ આ દર્દીઓને ઠંડીમાં જમીન પર સૂવડાવવામાં આવ્યા. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ ઉન્નાવના સીએમઓ અને સીએચસી પ્રભારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. સીએમઓને હટાવી દેવાયા છે. જયારે સીએચસી પ્રભારીને સસ્પેન્ડ કરાયા છે. આ સાથે જ આરોગ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા છે.

આ મામલો ઉન્નાવના નવાબગંજ હેલ્થ સેન્ટરનો છે. કાનપુર સ્થિત એક એનજીઓ તરફથી અહીં આંખોના મફત ઓપરેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે, મોટી સંખ્યામાં લોકો ગ્રામીણ સ્વાસ્થ્ય કેન્દ્ર બહાર એકત્રિત થયા હતા. ઓપરેશનના સમયે અચાનક વીજપુરવઠો ખોરવાયો હતો. આરોપ છે કે, વીજ પુરવઠો ખોરવાયા બાદ ડોકટર્સે ટોર્ચની લાઇટમાં જ ૩૨ દર્દીઓનાં ઓપરેશન કર્યાં હતાં.

આ મામલે ગંભીરતા જોતાં સ્વાસ્થ્ય પ્રધાન સિદ્ઘાર્થનાથ સિંહે સીએમઓ અને સીએચસી પ્રભારીને પદભ્રષ્ટ કર્યા છે. આરોગ્ય પ્રધાને ત્રણ દિવસની અંદર આ મામલે રિપોર્ટ માગ્યો છે.

(10:22 am IST)