Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

માં નર્મદાનું ઉદ્દગમ સ્થાન અમરકંટક : અલૌકિક અનુભુતિની યાત્રા કરાવતુ દર્શનીય સ્થળ

મધ્યપ્રદેશમાં નર્મદાનું ઉદ્દગમ સ્થાન અમરકંટક એક અલૌકિક અનુભુતિની યાત્રા કરાવે છે. અહીં દર્શનની ઝાંખી કરવી હોય તો એક દિવસમાં પણ થઇ શકે. પરંતુ ચારેખ દિવસ ફાળવવામાં આવે તો અન્ય ૨૪ જેટલા પ્રાચીન મંદિરોમાં દર્શનનો લ્હાવો પણ લઇ શકાય. વળી રહેવા જમાવાની ખુબ વ્યાજબી ભાવે સુવિધા છે.

માં નર્મદાનું પ્રાગટય નહોતુ થયુ એ પહેલા લોકો અહીં સુર્યકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવતા. નર્મદા મંદિર એક શકિત પીઠ પણ છે. અહીં માં પાર્વતીજી માતાના નિતંબ પડયા હોવાની માન્યતા છે. બાબા અમરકંટ મહાદેવ, બદ્રીનારાયણ, પાતાળેશ્વર મહાદેવ પણ અદ્દભૂત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે.

 આ પ્રાચીન મંદિર સાથે અકે રસપ્રદ કથા જોડાયેલી છે. શ્રી યંત્ર મંદિરે વિષે એવુ કહેવાય છે કે અહીં જે મંદિર નિર્માણાધીન છે તે મંદિરનું કામ ૧૫ જ દિવસ શુભ નક્ષત્રમાં હોય ત્યારે જ ચાલે છે. સોન નદી જે બંગળ તરફ ફંટાઇ જાય છે તેના વિષે એવી દંતકથા છે કે સોન એ બ્રહ્માજીના પુત્ર હતા. જેની સાથે નર્મદાના લગ્ન થવાના હતા. પરંતુ જયારે જાન આવી છે કે નહીં, તે જોવા માટે નર્મદાએ પોતાની દાસીને પોતાના વસ્ત્રો ધારણ કરી મોકલી ત્યારે દાસીને નર્મદા જાણી તેના લગ્ન સોન સાથે કરી દેવાયા. એ પછી નર્મદા અરબી સમુદ્ર તરફ ફંટાઇ ગયા અને સોન બંગાળ તરફ ફંટાઇ ગયા. એ પહેલા બન્નેનો સંગમ થતો હતો.

માઇકી બગીયા એક એવું દર્શનિય સ્થળ છે જયાં માં નર્મદાનું બાળપણ વિત્યુ હતુ. આ સ્થળના દર્શનથી દોઢ કરોડ તીર્થ યાત્રાનું પૂણ્ય મળતુ હોવાનું માનવામાં આવે છે. કબીર ચબુતરા, કપિલ ધારા, દુગ્ધધારા, એરંડી અંગ વગેરે પ્રાચીન સ્થળો છે. જયાં કપિલ મુનિ, દુર્વાસા અને એરંડી ઋષિએ તપસ્યા કરી હતી. દુગ્ધધારામાં તો રીતસર દુધની ધારા થતી હોય તેવું સફેદ રંગના જળનો પ્રવાહ વહે છે.

અમરકંટક યાત્રા દરમિયાન અનેક જૈન મંદિરોના દર્શનનો લ્હાવો મળે છે. અહીં કમળની મૂર્તિને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યુ છે. જવાલેશ્વર મહાદેવ ઉપર અભિષેક કરવાથી આ અભિષેક સીધો રામેશ્વર મહાદેવને પહોંચતો હોવાનું પણ કહેવાય છે. અમૃતેશ્વર મહાદેવની ૧૧ ફુટ ઉંચી અને ૫૧ ટન વજન ધરાવતી શિવલીંગ છે. ગણેશજી તો અહીં સ્વયંભુ પ્રગટ થયા છે. પાર્શ્વનાયક મ મંદિરમાં પરશુરામનો ફરશો ગણેશજીના હાથમાં શોભાયમાન છે. હનુમાનજીના ચરણ ચિન્હ, શંભુધારા સરોવર ઉપરાંત કેટલાક કુદરતી વોટરફોલ આહલાદકતામાં ઉમેરો કરે છે. ટ્રેન અને ખાનગી વાહન દ્વારા અમરકંટક પહોંચી શકાય. હવાઇ માર્ગે પણ જઇ શકાય છે.

સંકલન :- દિનેશ બાલાસરા, મો.૯૦૬૭૫ ૧૯૭૭૬

(11:38 am IST)