Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સોમવારથી સંસદનું સત્રઃ વિપક્ષ આક્રમકઃ સરકારની અગ્નિપરીક્ષા

૨૯મીથી શરૂ થનારૂ સંસદનું શિયાળુ સત્ર ૨૩ ડીસેમ્બર સુધી ચાલશેઃ સત્ર દરમિયાન પ્રથમ દિવસે કૃષિને લગતા ત્રણેય કાયદાઓ પરત લેવાની કામગીરી હાથ ધરાશે : સત્ર દરમિયાન મોંઘવારી, ચીનનો ચંચુપાત, પેગાસસ જાસૂસીકાંડ, અજય મિશ્રાની બરતરફી સહિતના મુદ્દાઓ ગરમાગરમી લાવે તેવી શકયતા

નવી દિલ્હી, તા. ૨૭ : સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યુ છે. આ સત્રમાં વિવિધ મુદ્દે ભારે ગરમાગરમી થવાના એંધાણ મળી રહ્યા છે. આ સત્રમાં મોંઘવારી, ખેડૂતોના પ્ર‘ો, કૃષિ બીલ, એમએસપી, ચીન, પેગાસસ જાસૂસી સહિતના મુદ્દાઓ જોરશોરથી ઉંછળે તેવી શકયતાઓ છે. સરકાર અને વિપક્ષે એકબીજાને ભરી પીવા રણનીતિઓ તૈયાર કરી છે.
સરકાર સોમવારે જ સત્રના પ્રથમ દિવસે જ ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવા અંગેની કાર્યવાહી પુરી કરવા માગે છે. કોંગ્રેસે પણ અન્ય વિપક્ષો સાથે મળીને એક બેઠક યોજી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવા તૈયારી કરી છે. ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે તમામ વિપક્ષોને ગૃહમાં ઉંપસ્થિત રહેવા અને ખરડા પર ચર્ચા કરવા માંગણી કરી છે. કોંગ્રેસે બન્ને ગૃહોમાં વ્હીપ જારી કરી સોમવારે હાજર રહેવા પોતાના સભ્યોને અનુરોધ કર્યો છે.
ભાજપના નેતૃત્વવાળી સરકાર પાસે શિયાળુ સત્રમાં પસાર કરાવવા અનેકવિધ કાર્યો છે. સરકાર ૨૬ જેટલા નવા ખરડાઓ આ સત્રમાં પસાર કરાવવા માગે છે. જેમાં ક્રિપ્ટોકરન્સી અને બેન્કીંગ અંગેના ખરડાઓ પણ સામેલ હશે. આ ઉંપરાંત બીજા કેટલાક મહત્વના ખરડાઓ પણ સરકારના એજન્ડામાં છે.
આ સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થઈને ૨૩ ડીસેમ્બર સુધી ચાલશે. રાજ્યસભાના વિપક્ષી નેતા ખડગેએ વિવિધ પક્ષોના નેતાઓના એક પત્ર લખ્યો છે. જેમાં સોમવારે એક બેઠકમાં હાજર રહેવા અનુરોધ કર્યો છે. કોંગ્રેસની માંગણી છે કે શિયાળુ સત્રમાં એમએસપીને કાનૂની ગેરંટી મળવી જોઈએ. કોંગ્રેસ આ સત્રમાં મોંઘવારી, ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રાની બરતરફી, મોંઘવારી, ચીનની ઘુસણખોરી, પેગાસસ જાસૂસી મામલાઓ વગેરે આ સત્રમાં ઉંઠાવવા માગે છે. સરકાર પણ આ બધા મુદ્દે લડાયક જવાબ આપવા તૈયાર છે.

 

(10:14 am IST)