Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

દેશમાં પ્રથમવાર ડ્રોનથી કરાઈ દવાઓની ડિલિવરી: 25 મિનિટમાં 25 કિ.મી.નું સફળતાપૂર્વક કાપ્યું અંતર

મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રોન દ્વારા દવાઓ મોકલાઈ :આમ કરનાર મેઘાલય દેશનું પ્રથમ રાજ્ય બન્યું

નવી દિલ્હી : મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ કે સંગમાએ જણાવ્યું હતું કે મેઘાલયમાં પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલયથી 25 કિમી દૂર સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રોન દ્વારા દવાઓ સફળતાપૂર્વક સપ્લાય કરાઈ હતી,આવું કરનાર મેઘાલય દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

કોનરાડે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, ‘આજે અમે મેઘાલયના માવેત ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોંગસ્ટોઈનથી ઈ-વીટીઓએલ ડ્રોન દ્વારા દવાઓ સપ્લાય કરી છે. આ પ્રકારના પ્રથમ કાર્યક્રમમાં ડ્રોને 25 મિનિટથી પણ ઓછા સમયમાં 25 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભારતમાં આ પ્રકારનો આ પહેલો કાર્યક્રમ છે. તેમણે કહ્યું, ‘ડ્રોન ટેક્નોલોજી હેલ્થકેરનું ભવિષ્ય બદલી શકે છે’. આ એક અનોખો પ્રોજેક્ટ છે જે મુશ્કેલ વિસ્તારોમાં દવાઓના સપ્લાયને સરળ બનાવશે.

 

ગયા મહિને જ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ડ્રોન દ્વારા પૂર્વોત્તરના અંતરિયાળ વિસ્તારોમાં કોવિડ-19 રસીની સપ્લાયને સરળ બનાવવા માટે એક પહેલ શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ICMR નો ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરીચ ઇન ધ નોર્થઇસ્ટ (i-Drone), જીવન રક્ષક કોવિડ રસી દરેક વ્યક્તિ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટેનું સપ્લાય મોડલ છે. આ સ્વાસ્થ્યમાં ‘અંત્યોદય’ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે, જેનો હેતુ દેશના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચવાનો છે.

માંડવિયાએ કહ્યું, ‘આ પ્રથમ વખત છે કે દક્ષિણ એશિયામાં ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રોનનો ઉપયોગ કોવિડ-19 રસી 12-15 મિનિટમાં 15 કિમીના હવાઈ અંતરે સ્થિત સ્થળે પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. આ રસીઓ મણિપુરની બિષ્ણુપુર જિલ્લા હોસ્પિટલથી PHCમાં લાભાર્થીઓને ઈન્જેક્શન આપવા માટે લોકટક તળાવ, કરંગ દ્વીપ સુધી પહોંચાડવામાં આવી હતી.

માંડવિયાએ કહ્યું, “આ સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર 26 કિમી છે. આજે PHCમાં 10 લાભાર્થીઓને પહેલો ડોઝ મળશે અને 8 લોકોને બીજો ડોઝ મળશે.” કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો અને કહ્યું, ‘તેમના નેતૃત્વમાં દેશ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે એક ઐતિહાસિક દિવસ છે, જેણે અમને બતાવ્યું કે કેવી રીતે ટેકનોલોજી જીવનને સરળ બનાવી રહી છે અને સામાજિક પરિવર્તન લાવી રહી છે

(12:34 am IST)