Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કોરોનાના નવા વેરિયન્ટથી ફફડાટ : કાચા તેલમાં 10 ટકાથી વધુનું ગાબડું:19 મહિના બાદ સૌથી મોટો એક દિવસનો ઘટાડો

વૈશ્વિક શેરબજારમાં ભારે વેચવાલી : જબરજસ્ત કડાકો :રોકાણકારોના અબજો ડૂબ્યા : અફરાતફરીનો માહોલ

 

નવી દિલ્હી :કોરોનાના નવા વેરિયન્ટ સામે આવ્યા બાદ ફરી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદ કાચા તેલની કિંમતમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે. એપ્રિલ 2020 પછી આ એક દિવસનો સૌથી મોટો ઘટાડો છે. વિશ્વભરના શેરબજારોમાં પણ આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

એક વેબસાઈટ અનુસાર રાત્રે 10.50 વાગ્યે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ 10 ટકાના ઘટાડા સાથે 74 ડોલર પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. WTI ક્રૂડ એટલે કે યુએસ ક્રૂડ ઓઈલ 11.53 ટકાના ઘટાડા સાથે 69.35 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

નવા વેરિઅન્ટના કારણે આજે વૈશ્વિક શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. રાત્રે 11 વાગ્યે અમેરિકન ઈન્ડેક્સ ડાઉ જોન્સમાં (Dow Jones) 2.36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. S&P 500માં 1.86 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સમાં પણ 2.9 ટકાનો જંગી ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1,688 પોઈન્ટના ઘટાડા સાથે 57,107ના સ્તર પર બંધ થયો હતો.

શુક્રવારે શેરબજારમાં સાત મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. 12 એપ્રિલ પછી બજારમાં આજે સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈથી 8% નીચે છે. શેરબજારમાં સાત મહિનામાં સૌથી મોટા ઘટાડાથી રોકાણકારોને કુલ 7.45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારો મળવાને કારણે ટ્રેડર્સ જેટલું વેચી શક્તા હતા, તેમણે તેટલું વેચાણ કર્યું હતું

આ સિવાય બોન્ડ માર્કેટમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. 10-વર્ષના યુએસ બોન્ડ યીલ્ડમાં હાલમાં 8.42 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે તે 1.505 ટકાના સ્તરે હતો. આ સિવાય વૈશ્વિક બજારમાં પણ સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 1,785 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું.

(12:32 am IST)