Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

ટાટા અને બિરલા અને રિલાયન્સ જેવા મોટા કોર્પોરેટ ગૃહોને બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશવા RBIની મંજૂરી નહીં

રિઝર્વ બેંકે આંતરિક કાર્યકારી જૂથના 33માંથી 21 સૂચન રાખ્યા મંજૂર: 12 સૂચનમાં કોર્પોરેટ કંપનીઓની એન્ટ્રીનો હતો મુદ્દો

નવી દિલ્હી : ટાટા અને બિરલા અને રિલાયન્સ જેવા મોટા કોર્પોરેટ ગૃહો હાલમાં બેન્કિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં. આને લગતા સૂચનને હજુ સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી નથી. જોકે, આ સૂચનને કેન્દ્રીય બેંક દ્વારા હજુ સુધી નકારી કાઢવામાં આવ્યું નથી.

રિઝર્વ બેંકના આંતરિક કાર્યકારી જૂથ (IWG) એ કોમર્શિયલ બેંકિંગમાં કોર્પોરેટ ગૃહોના પ્રવેશ સહિત 33 સૂચનો કર્યા હતા. આ સૂચન સામે આવ્યા પછી, ઘણા રાજકારણીઓ અને ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર્સ દ્વારા તેની ટીકા કરવામાં આવી હતી. રિઝર્વ બેંકે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે તેણે IWGના 33માંથી 21 સૂચનોનો સ્વીકાર કર્યો છે. આમાંના કેટલાક સૂચનો સુધારા સાથે સ્વીકારવામાં આવ્યા છે. બાકીના 12 સૂચનોને કેન્દ્રીય બેંક દ્વારા ધ્યાનમાં લેવાના બાકી છે.

ટાટા અને બિરલા જેવા મોટા કોર્પોરેટ ગૃહો નોન-બેંકિંગ ફાઇનાન્સ સેક્ટર (NBFC) માં પહેલેથી હાજર છે. બંને જૂથો NBFC સેક્ટરમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. એવું માનવામાં આવતું હતું કે કોમર્શિયલ બેન્કિંગમાં કોર્પોરેટ્સના પ્રવેશની મંજૂરીથી આ બંને જૂથોને ફાયદો થશે. જોકે, રિઝર્વ બેંકે બેંકો જેવી મોટી NBFC માટે કડક નિયમો લાવવાની વાત કરીને સારા સમાચારને બદલે આ કોર્પોરેટ ગૃહોને ઝટકો આપ્યો છે.

રિઝર્વ બેંકે પેમેન્ટ બેંકને ત્રણ વર્ષમાં સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતરિત કરવામાં આવશે તેવા સૂચનને પણ મંજૂરી આપી નથી. આ નિર્ણયની અસર Paytm પર પડી શકે છે. Paytm હાલમાં પેમેન્ટ બેંક સેક્ટરમાં હાજર છે. મધ્યસ્થ બેંકે કોમર્શિયલ બેંકોમાં પ્રમોટરોનો હિસ્સો વર્તમાન 15 ટકાથી વધારીને 26 ટકા કરવાના સૂચનને મંજૂરી આપી છે. પ્રમોટર્સ 15 વર્ષના લાંબા ગાળામાં તેમનો હિસ્સો વધારી શકશે.

પ્રથમ પાંચ વર્ષ દરમિયાન પ્રમોટરોના હિસ્સા પર કોઈ મર્યાદા ન લાદવાનું સૂચન પણ સ્વીકારવામાં આવ્યું છે. નોન-પ્રમોટર શેરહોલ્ડિંગ માટેની મર્યાદા બદલવાના સૂચનને પણ સ્વીકારવામાં આવ્યું છે. હવે આ મર્યાદા બિન-નાણાકીય સંસ્થાઓ માટે 10 ટકા અને નાણાકીય સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ માટે 15 ટકા સૂચવવામાં આવી હતી. અત્યાર સુધી તમામ સંસ્થાઓ માટે 10 ટકાની સમાન મર્યાદા હતી.

(12:00 am IST)