Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

અમુક દર્દીઓનું વજન વધુ હતું, આમ છતાં ભગવાનનું નામ લઇ દર્દીઓને અગાસીએ સલામત સ્થળે પહોંચાડયા

શિવાનંદ હોસ્પિટલનો કર્મચારી અજય બન્યો દેવદૂત : ૭ કોરોનાના દર્દીઓને ભડથું થતાં બચાવ્યા

રાજકોટ તા. ૨૭ : રાજયમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજયની મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ છે. રાજયમાં કોવિડ-૧૯ ની પરિસ્થતિમાં હોસ્પિટલમાં ગત્ત ત્રણ મહિનામાં આગ લાગવાની પાંચમી ઘટના બની છે. જેમાં ૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના કુલ ૩૩ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા.પરંતુ આ ઘટનામાં એક કર્મચારીએ દેવદૂત બનીને ૭ દર્દીઓનો જીવ બચાવ્યો છે.

અજય વાઘેલા નામના એક કર્મચારીએ કોરોનાગ્રસ્ત ૭ દર્દીઓને ખભા પર ઉંચકીને અગાસી ઉપર સલામત જગ્યાએ પહોંચાડ્યું હતું. અજય વાઘેલાએ કહ્યું કે, અમુક દર્દીઓનું વજન વધુ હતું. જેના કારણે બે માળ ચઢી શકાય એવી સ્થિતિ ન હતી. એમ છતાં ભગવાનનું નામ લઈને હું કોરોનાના દર્દીઓને ખભા પર ઉંચકીને એક પછી એક એમ સાતેય દર્દીઓને અગાસી ઉપર સલામત જગ્યાએ પહોંચાડયા હતા.

આગ કાબૂમાં આવ્યા બાદ આ સાતે-સાત દર્દીઓનો ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓએ હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાની હિંમત અને બહાદુરીની પ્રશંસા કરી હતી.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગનો ફાયરબ્રિગેડને પહેલો કોલ મધરાતે ૧૨.૨૦ વાગ્યે આવ્યો હતો. ત્યાર બાદ ઘટના સ્થળે રાજકોટના પોલીસ કમિશ્નર અને મેયર પહોંચ્યા હતા. હોસ્પિટલના ICUમાં લાગેલી આગમાં ૫ દર્દીઓના મોત થયા છે. દર્દીઓ પોતાના બેડમાંથી ઉભા નહી થઇ શકતા બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં. હોસ્પિટલમાં લાગેલી આગમાં રામશીભાઇ, નિતિનભાઇ બાદાણી, રસિકલાલ અગ્રાવત, સંજય રાઠોડ અને કેશુભાઈ અકબરી આ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

(3:36 pm IST)