Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

બુલેટ ટ્રેનના ૨૪,૦૦૦ કરોડના કોન્ટ્રાકટે સજર્યો રેકોર્ડઃ ગુજરાતમાં શરૂ થશે કામ

મહારાષ્ટ્રમાં જમીન સંપાદન પૂરૂ થાય તેની રાહ જોવાના બદલે ગુજરાતમાં કામ શરૂ કરી દેવાશે

નવી દિલ્હી, તા.૨૭:  બુલેટ ટ્રેન માટેનું કામકાજ હવે થોડા જ દિવસોમાં શરુ થવાનું છે. તેના માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા સરકારી ફંડથી બનનારા દેશના સૌથી મોટા સિવિલ પ્રોજેકટ માટે ૨૪,૦૦૦ કરોડ રુપિયાનો કોન્ટ્રાકટ L&Tના આપી દીધો છે. બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે.

L&Tના ૩૨૫ કિલોમીટર લાંબો કોરિડોર બનાવવા માટેનો કોન્ટ્રાકટ અપાયો છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદન હજુય ડખામાં પડ્યું છે, ત્યારે તેના પૂર્ણ થવાની રાહ જોવાના બદલે સરકારે ગુજરાતમાં તેનું કામકાજ શરુ કરવા માટે પરવાનગી આપી દીધી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.

જાપાનના ભારત ખાતેના રાજદૂત સાતોશી સુઝુકીએ આ અંગે જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓને ધમધમતી કરવાનું હાલના સમયમાં ખૂબ જ જરુરી છે ત્યારે આટલા મોટા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટને મંજૂરી આપવી ખૂબ જ મહત્વની વાત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પ્રોજેકટમાં ન માત્ર જાપાનીઝ ટેકનોલોજી ભારતમાં આવશે, પરંતુ કોરિડોરની આસપાસના વિસ્તારોની પણ સ્થિતિ સુધરશે.

રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન વીકે યાદવે આ મામલે જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ પૂર્ણ થયા બાદ દેશના અન્ય ભાગોમાં પણ બુલેટ ટ્રેન શરુ કરાશે, અને તેના માટે સાત રુટની પસંદગી કરવામાં આવી છે.

બુલેટ ટ્રેનના અબજોના પ્રોજેકટથી ના માત્ર એન્જિનિયર્સ, ટેકિનશિયન, ડિઝાઈનર અને આર્કિટેકટ્સને નોકરી મળશે, પરંતુ તેનાથી અર્ધકુશળ કામદારો અને કન્સ્ટ્રકશન વર્કર્સને પણ રોજગારી મળી રહેશે.

(3:33 pm IST)