Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા : બરફની ચાદર પથરાઈ : ઠંડીનો પ્રકોપ વધ્યો

બદ્રીનાથ ધામમાં ત્રણ ફૂટ અને ઔલીમાં બે ફૂટ બરફ વર્ષા: અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગગડ્યું

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે ચમોલી, ઉત્તરકાશી, રૂદ્રપ્રયાગ અને પિથૌરાગઢમાં ભારે હિમવર્ષા થતાં ચારે તરફ બરફની સફેદ ચાદર પથરાઇ છે. સાથે ઠંડીનો પ્રકોપ પણ વધ્યો છે. પહાડોમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે

   ચમોલીમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ અને ઔલીમાં ભારે હિમવર્ષા બાદ પ્રવાસીઓમાં આનંદ છવાઇ ગયો છે. બદ્રીનાથ ધામમાં અત્યાર સુધીમાં ત્રણ ફૂટ જ્યારે કે ઔલીમાં બે ફૂટ જેટલી બરફ વર્ષા થઇ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પહાડી વિસ્તારોમાં હજુ પણ ભારે હિમવર્ષા થવાની સંભાવના દર્શાવી છે.

   આ તરફ પ્રવાસન સ્થળ કુલ્લુમાં પણ ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષાના કારણે પ્રવાસીઓને તો મોજ પડી ગઇ છે. પરંતુ સાથે મુશ્કેલીઓ પણ શરૂ થઇ છે. માર્ગો પર બરફ જમા થવાના કારણે વાહનોની અવર જવરને અડચણ ઉભી થઇ છે. માર્ગો પર વાહનો સ્લીપ થઇ રહ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર ધીમો થઇ ગયો છે.

   કોઠી અને ગુલાબામાં ભારે હિમવર્ષાના કારણે સ્થાનિકોને પણ હાલાકી સહન કરવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગ મુજબ સોલન ગલીમાં બે ઇંચ બરફ વર્ષા થઇ . જ્યારે કે ગુલાબામાં ચાર ઇંચ અને કોઠીમાં એક ઇંચ બરફ વર્ષા થઇ છે. જ્યારે રોહતાંગમાં અડધો ફૂટ બરફ પડ્યો હતો

(10:05 pm IST)