Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ઉદ્ધવ ઠાકરેની શપથવિધિમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ક્રિકેટર્સ,ફિલ્મ સ્ટાર અને 700 ખેડૂતોને પણ આમંત્રણ પાઠવ્યા

ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મહેમાનોને નિમંત્રણ આપવામાં વ્યસ્ત : મહારાષ્ટ્રના દરેક જિલ્લાના 20 ખેડૂતોના આમંત્રણ

મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેની પસંદગી થઇ છે ઉદ્ધવ ઠાકરે કાલે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. ઠાકરે પરિવારનો કોઈ સભ્ય સીએમ બની રહ્યો હોય તેવું પ્રથમ વખત બની રહ્યું છે. જેથી શિવસેના આ શપથગ્રહણને ઐતિહાસિક બનાવવા માંગે છે.જેથી અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રી, ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટાર સિવાય 700 ખેડૂતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

             શિવસેના સાંસદ વિનાયક રાઉતે કહ્યું કે આ ખેડૂતોની સરકાર છે. જેથી શપથગ્રહણમાં લગભગ 700 ખેડૂતોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના દરેક જિલ્લાના 20 ખેડૂતોના આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

            ઉદ્ધવ ઠાકરેએ શપથ ગ્રહણ માટે મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, અશોક ગેહલોત, કમલનાથ, ચંદ્રબાબુ નાયડુ, એચડી દેવગૌડા સહિત રાજ્યમા મુખ્યમંત્રીઓને આમંત્રણ મોકલ્યા છે. આ સિવાય ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટારને આમંત્રિત કર્યા છે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર કાર્યક્રમમાં આવનાર મહેમાનોને આમંત્રણ આપી રહ્યા છે

            ઉદ્ધવ ઠાકરે 28 નવેમ્બરે સાંજે 6.40 કલાકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ સમારોહ મુંબઈના શિવાજી પાર્કમાં થશે. સૂત્રોના મતે ઉદ્ધવ ઠાકરેની સાથે ઘણા મંત્રી પણ શપથ લઈ શકે છે. કૉંગ્રેસના કોટામાંથી બાલા સાહબ થોરાટ, નાના પટોલે, અશોક ચવ્હાણ, વિજય વેદેટ્ટીવાર, યશોમતી ઠાકુર, વિશ્વજીત કદમ મંત્રી બની શકે છે.

(9:41 pm IST)