Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સેંસેક્સ તેજીની વચ્ચે વિક્રમી ૪૧૦૨૦ની સપાટીએ બંધ

યશ બેંકના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી : નિફ્ટી ૬૩ પોઇન્ટ ઉછળીને ૧૨૧૦૦ની સપાટીએ બંધ રહ્યો : ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડડિલને લઈ આશાવાદ

મુંબઈ,  તા. ૨૭ : શેરબજારમાં આજે જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બેંકિંગ અને ઓટોમોબાઇલ કંપનીઓના શેરોમાં તીવ્ર લેવાલીના કારણે સેંસેક્સ રેકોર્ડ સ્તર પર બંધ રહ્યો હતો. બીએસઇના ૩૦ કંપનીઓના શેરો પર આધારિત ઇન્ડેક્સ ૦.૪૯ ટકા અથવા તો ૧૯૯.૩૧ પોઇન્ટ ઉછળીને ૪૧૦૨૦.૬૧ની સપાટી પર બંધ રહ્યો હતો. સેંસેક્સ રેકોર્ડ ૪૧૦૦૦ની સપાટી કુદાવી દીધી હતી. આવી જ રીતે એનએસઈના નિફ્ટીમાં પણ ૦.૫૨ ટકા અથવા તો ૬૩ પોઇન્ટના ઉછાળા સાથે ૧૨૧૦૦.૭૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા સેંસેક્સે ૨૫ નવેમ્બરે ૪૦૮૮૯.૨૩ના રેકોર્ડ સ્તર પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન કારોબારમાં સેંસેક્સ ૪૧૦૭૫ની ઉંચી અને ૪૦૮૪૮ની નીચી સપાટીએ રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી પણ ૧૨૧૧૪.૯૦ની ઉંચી અને ૧૨૦૫૫ની નીચી સપાટી વચ્ચે રહ્યો હતો. બીએસીમાં ૨૪ કંપનીઓના શેરમાં તેજી અને છ કંપનીઓના શેરમાં મંદી જોવા મળી હતી જ્યારે નિફ્ટીમાં ૩૭ કંપનીઓના શેરમાં લેવાલી તથા ૧૩ કંપનીઓના શેરમાં વેચવાલી જોવા મળી હતી. યશ બેંકે ૨.૮ કરોડના રિલાયન્સના ૧ લાખ શેરોને વેચવાલી કરી હતી.

                         હજુ સુધી બેંક ૪.૨ લાખથી વધુ શેરો વેચી ચુકી છે. યશ બેંક દ્વારા વેચવામાં આવેલા કુલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. ૧૩.૨ લાખ શેર શુક્રવારે વેચવામાં આવ્યા હતા જ્યારે ૧૬.૭ લાખ શેરોને સોમવારે વેચી દેવામાં આવ્યા હતા. ચીન સાથે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડવોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પેઇચિંગ સાથે ઝડપથી ટ્રેડ ડિલ કરવાના અહેવાલથી યુરોપિયન શેર બજારમાં આજે ચાર વર્ષની ઉંચી સપાટી જોવા મળી હતી. ટ્રેડવોર પર અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડ ડિલના અહેવાલથી એશિયન શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.

(8:11 pm IST)