Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભાજપે અઘોરી વિદ્યાનો ઉપયોગ કર્યો : રાઉત

સામનાના તંત્રીએ કહ્યું મહારાષ્ટ્રથી પરિવર્તનની શરૂઆત થઈ ગઈ : અજીત પવારને યોગ્ય સ્થાન અપાશે : પણ મહારાષ્ટ્રની પ્રજાએ તમામને ધ્વસ્ત કરી દીધા : આ પ્રકારના પ્રયોગો નહિં ચાલે : શિવસેના સાંસદની જબરી ફટકાબાજી

મુંબઈ : મહારાષ્ટ્રમા શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના નેતૃત્વમા સરકારની રચના થવા જઈ રહી છે. જેમાં ઉદ્ઘવ ઠાકરે ગુરુવારે સાંજે ૬.૪૦ વાગે શિવાજી પાર્કના વિશાળ મેદાનમા શપથ ગ્રહણ કરશે. મહારાષ્ટ્રમા થયેલા આ બદલાવ અંગે શિવસેનાના સાંસદ, પત્રકાર અને દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું હતું કે  દેશમાં પરિવર્તનની આ શરૂઆત છે. તેમણે કહ્યું કે અજીત પવારને પણ ગઠબંધનમા યોગ્ય સ્થાન આપવામા આવશે તેમણે મોટું કામ કર્યું છે.

સંજય રાઉતે પ્રેસ કોન્ફરસને સંબોધિત કરતા જણાવ્યું હતું કે ભાજપ તરફથી અધોરી વિદ્યાનો પ્રયોગ કરવામા આવ્યો હતો. પરંતુ મહારાષ્ટ્રની જનતાએ તમામ ધ્વસ્ત કરી દીધું છે. આ પ્રકારના પ્રયોગ નહીં ચાલે તેમજ મહારાષ્ટ્રના બદલાયેલા રાજકીય સમીકરણોની અસર અન્ય રાજયમા પણ જોવા મળશે.

મહારાષ્ટ્રમા બુધવારે બોલાવવામા આવેલા વિધાનસભા સત્રમા પ્રોટેમ સ્પીકર ભાજપના કાલીદાસ કોલાંબકએ તમામ ધારાસભ્યોને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા.આ વિશેષ સત્રમા શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તથા ભાજપ સહિત અનેક પક્ષના નેતાઓ સવારે વિધાનસભા પહોંચ્યા હતા. આ ઉપરાંત શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે રાજયપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા.

ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, એનસીપીના બાગી નેતા અજીત પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે અને તેમના ધારાસભ્ય પુત્ર આદિત્ય ઠાકરે સહિત અનેક ધારાસભ્યો સત્રમા હિસ્સો લેવા વિધાનસભા પહોંચ્યા હતા. એનસીપી પ્રમુખ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ સત્ર શરૂ થતા પૂર્વે તમામ ધારાસભ્યોનું અભિવાદન કર્યું હતું અને અજીત પવારને ગળે લગાડ્યા હતા.

આ પૂર્વે મંગળવારે સાંજે મળેલી ત્રણ દળોની સંયુકત બેઠકમા શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેને આમ સહમતીથી સંયુકત વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામા આવ્યા હતા. શિવસેના વિધાયક દળના નેતા એકનાથ શિંદેએ ઉદ્ઘવ ઠાકરેના નામનો પ્રસ્તાવ મુકયો હતો. સમાજવાદી પાર્ટીના અબુ આઝમી અને સ્વાભીમાન પક્ષના સાંસદ રાજુ શેટ્ટીએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

ઉદ્ઘવ ઠાકરે ત્રણ પક્ષના ગઠબંધન મહાવિકાસ અઘાડીના વિધાયક દળના નેતા ચુંટાવા માટે સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મે રાજયનું નેતૃત્વ કરવા વિષે વિચાર્યું પણ ન હતું. હું સોનિયા ગાંધી અને અન્ય લોકોનો આભાર માનું છું.અમે લોકો એક બીજા પર વિશ્વાસ મૂકીને દેશને નવી દિશા આપવાની કોશિષ કરી રહ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ શરદ પવારના પણ વખાણ કર્યા અને કહ્યું કે તેમની સરકારને પવાર સાહેબના અનુભવનો પણ લાભ મળશે. તેમણે કહ્યું કે મને ખબર છે કે મુખ્યમંત્રીની ખુરશીઓને અનેક ખીલીઓ લાગેલી હોય છે.

(3:52 pm IST)