Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મુદ્રા સ્કીમ અંગે રઘુરામ રાજનની ચેતવણી સાચી પડી : નબળી લોનનું પ્રમાણ 3.21 લાખ કરોડે પહોંચી ગયું !!

આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર એમ. કે. જૈને બૅન્કોએ ધિરાણ પર સતત નિયંત્રણ રાખવા ચેતવ્યા

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસિકોને સરળતાથી ધિરાણ મળી રહે એ માટે શરૂ કરેલી મુદ્રા સ્કીમની લોનમાં નબળી લોનનું પ્રમાણ 3.21 લાખ કરોડ  ઉપર પહોંચી ગયું છે ત્યારે રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર એમ. કે. જૈને આજે બૅન્કોએ આ ધિરાણ પર સતત નિયંત્રણ રાખવા અને એની સતત વૃદ્ધિથી બૅન્કિંગ સિસ્ટમ પર જોખમો વધી શકે છે એવી ચેતવણી આપી હતી.

  એપ્રિલ 2015 માં શરૂ થયેલી આ ધિરાણ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની લોન નાણાધંધાર્થીઓ અને કૉર્પોરેટ, ખેતી સિવાયના ક્ષેત્રમાં વ્યવસાય કરતા હોય એવા લોકો માટે આપી હતી. આવા ઉદ્યોગ સાહસિકો પાસે કોઈ ક્રેડિટ રેટિંગ હોતું નથી. સ્કીમ લૉન્ચ થયાના એક વર્ષ બાદ જ એ સમયે રિઝર્વ બૅન્કના ગવર્નર રઘુરામ રાજને આવી લોનને કારણે એનપીએનું પ્રમાણ વધશે એવી ચિંતા વ્યક્ત કરી હતી, પરંતુ એ સમયના નાણાપ્રધાન અરુણ જેટલીએ આવી ચિંતાઓને અસ્થાને ગણાવી હતી. મુદ્રા લોન અત્યારે ચર્ચાનો વિષય છે. આ ધિરાણથી ઘણા લાભાર્થીઓ ગરીબીમાંથી બહાર આવ્યા હોઈ શકે પણ આવા લોન લેનારાઓમાં પણ નબળી લોનનું પ્રમાણ ચિંતાજનક બની શકે છે એમ જૈને સીડબી આયોજિત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

(1:15 pm IST)