Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

મોદી-શાહનો જાદુ ઓસર્યોઃ કોંગ્રેસમુકત ભારતનું સૂરસુરિયું

૭૧ ટકામાંથી ૪૦ ટકા સુધી પહોંચી દેશમાં ભાજપની સત્તાઃ ડિેસમ્બર ૨૦૧૭ સુધી દેશના ૭૧ ટકા હિસ્સામાં હતી ભાજપની સરકારોઃ પંજાબ-રાજસ્થાન-મધ્ય પ્રદેશ-છત્તીસગઢ બાદ મહારાષ્ટ્રમાંથી પણ ગઇ સત્તા

નવી દિલ્હી તા.૨૭: નરેન્દ્ર મોદીને ૨૦૧૪માં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા પછી ભાજપાનો ઝડપભેર વિસ્તાર થયો. ભાજપાઓ ૨૦૧૪માં કેન્દ્રમાં સરકાર બનાવી અને પછી કેટલાય રાજયોમાં પણ ભાજપાની સરકાર બની. ૨૦૧૭ સુધીમાં ભારતના ૭૧ ટકા ભાગમાં ભાજપા છવાઇ ગઇ. વડાપ્રધાન મોદીના જાદુ અને ભાજપા અધ્યક્ષ અમિત શાહની રાજકીય રણનીતિનું આ પરિણામ હતું.

ડીસેમ્બર ૨૦૧૭ પછી ભાજપાનો સંકોચાવાનો દોર ચાલુ થયો અને નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ભાજપા ૭૧ ટકાથી ઘટીને ૪૦ ટકા પર આવી ગઇ. ઇન્ડીયા ટુડેની ડેટા ઇન્ટેલીજન્સ યુનિટ (ડીઆઇયુ)ના રિપોર્ટ અનુસાર હવે ભાજપાની સત્તા સંકોચાઇને દેશના ૪૦ ટકા વિસ્તારમાં રહી ગઇ છે. ડીઆઇયુના રિપોર્ટથી એક વાત તો સ્પષ્ટ છે કે વર્ષ ૨૦૧૭ની સરખામણીએ ૨૦૧૯માં વડાપ્રધાન મોદી અને અમિત શાહનો જાદુ ઘટયો છે.

લોકસભા ચુંટણીમાં ભાજપાને ભલે આગલી ચુંટણી કરતા વધારે બેઠકો મળી હોય અને તેણે ૩૦૩ બેઠકો જીતીને કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર બનાવી હોય પણ અત્યારની ઘણા રાજયોની વિધાનસભાની ચુંટણીમાં ભાજપાને હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ,રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં તેની હાર થઇ હતી.

હવે મહારાષ્ટ્રમાં પણ તેણે સતાથી હાથ ધોવા પડ્યા છે. શનિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનાર દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપવું પડયું. આમ મહારાષ્ટ્રમાં ફડણવીસની બીજીવારની સરકાર ફકત ૪ દિવસ ચાલી અને ૮૦ કલાકમાં તેણે રાજીનામુ આપવું પડયું.

ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં ભાજપાએ શિવસેનાની સાથે મળીને ચુંટણી લડી હતી. આ ચુંટણીમાં ભાજપાની બેઠકો ૧૨૨માંથી ઘટીને ૧૦૫ થઇ ગઇ હતી. જો કે ભાજપા-શિવસેના ગઠબંધને સરકાર બનાવવા માટે જરૂરી આંકડાથી વધારે બેઠકો જીતી હતી. પણ ત્યાર પછી તેમના ગઠબંધનમાં ભંગાણ પડયું હતું.

શિવસેનાથી દુર થયા પછી ભાજપા નેતા ફડણવીસે એનસીપી નેતા અજીત પવાર સાથે મળીને રાજયમાં સરકાર બનાવી લીધી. જો કે આ સરકાર ચાર દિવસથી વધારે ન ચાલી અને ફડણવીસે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપવું પડ્યું. ત્યાર પછી હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મળીને રાજયમાં સરકાર બનાવશે. આમ હવે મહારાષ્ટ્રની સતા પણ ભાજપાના હાથમાંથી જતી રહી છે.

(11:32 am IST)
  • મુંબઈથી લખનૌ જતી ગો એરની ફ્લાઈટમાં એક એન્જીન બંધ થઇ જતા અને એન્જીન ઓવર લિમિટ જતા મુંબઈ એરપોર્ટ પર ફૂલ ઇમર્જન્સી જાહેર કરવામાં આવેલ સદ્ભાગ્યે વિમાને સહી-સલામત ઉતરાણ કર્યું છે કોઈને ઇજા થઇ નથી access_time 10:25 pm IST

  • સોનિયા ગાંધીએ કોંગ્રેસ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીં કહ્યું છે કે સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને એનએફએસએની જોગવાઈ હેઠળ અચૂક છ હજાર રૂપિયા ચૂકવાય જાય access_time 9:14 pm IST

  • અમદાવાદમાં સતત અકસ્માતો સર્જાતા બીઆરટીએસ બસોની સ્પીડ લિમિટ ૫૦ કિમિ કરી નાખવામાં આવી છે. access_time 8:06 pm IST