Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

ભગવાન રામ સર્વવ્યાપી છે, તો રામ મંદિરનું નિર્માણ અયોધ્યામાં જ કેમ?

નવી દિલ્હી તા. ૨૭ : અયોધ્યામાં રામ મંદિરને લઇને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલાએ સાધુ-સંતો અને વીએચપી પર નિશાન સાધ્યુ છે. ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે રામ સમગ્ર દુનિયા માટે છે, તેમને અયોધ્યામાં શા માટે બંધ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારીની પુસ્તકના વિમોચન દરમિયાન ફારુક અબ્દુલાએ જણાવ્યું કે આ લોકો રામને ઓળખતા જ નથી.

ફારૂક અબ્દુલ્લાએ રામ મંદિર બનાવવા પર પ્રશ્ન ઊભો કર્યો છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ શા માટે થવું જોઈએ જયારે રામ સર્વવ્યાપ્ત છે અને સમગ્ર વિશ્વના ભગવાન છે. ફારૂક અબ્દુલ્લાએ આગળ જણાવ્યું કે તેઓ આ કેસમાં કોર્ટનો આદેશ માનશે. તેમણે સત્તારૂઢ દળ પર આરોપ લગાવ્યો હતો કે તે લોકો લોકશાહીમાં સુપ્રીમ કોર્ટને બરતરફ કરવા માગે છે.

જેડીયુના નેતા પવન વર્માએ જયારે ફારુક અબ્દુલ્લાની વાતનો વિરોધ કરતા પ્રશ્ન પૂછ્યો કે રામ મંદિરનું નિર્માણ કેમ ન કરવું જોઇએ. ત્યારે તેમણે જણાવ્યું કે જો હિંદુ ત્યાં મંદિર બનાવવા ઇચ્છે છે, તો ત્યાં મંદિર બનવું જોઇએ. પ્રશ્ન એ નથી કે શું મંદિર બનવું જોઈએ, પ્રશ્ન એ છે કે મંદિર કેવી રીતે બનશે. હિંસાથી, તમારી સંમતિથી અથવા કોર્ટના આદેશથી.

(4:01 pm IST)