Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

૧૨૦૦ વર્ષ જૂના તનોટ માતાના મંદિરનો ઇતિહાસ રોચક છે

૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન મંદિરમાં પડેલા ૪૫૦ જેટલા બોમ્બ માંથી એક પણ ફાટયો નહોતો

તનોટ માતાનું મંદિર અને એમાં મૂકવામાં આવેલા ન ફૂટેલા બોમ્બ.

 

નવી દિલ્હી તા.૨૭: હિંગળાજ માતાનો અવતાર માનવામાં આવતા તનોટ માતાના મંદિરને ચમત્કારી માનવામાં આવે છે. કહેવાય છે કે ૧૯૬૫માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમ્યાન તનોટ પર પાકિસ્તાનના લગભગ ૩૦૦૦ બોમ્બ ફેંકાયા હતા, પરંતુ મંદિર અને ગામને આંચ પણ નહોતી આવી. કહેવાય છે કે એ ૩૦૦૦ માંથી ૪૫૦ બોમ્બ મંદિરના પરિસરમાં પડયા હતા, પરંતુ એમાંથી એક પણ બોમ્બ ફાટયો નહોતો. એ બધા બોમ્બ મંદિરના પરિસરમાં બનાવવામાં આવેલા સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા છે.

૧૯૬૫ના યુદ્ધ પછી તનોટ માતાના મંદિરની જવાબદારી બીએસએફના તંત્રે સ્વીકારી હતી. મંદિરના પરિસરમાં બીએસએફની ચોકી પણ છે. બીએસએફના જવાનોને તનોટ માતામાં અખૂટ શ્રદ્ધા છે. ૧૯૭૧ની લડાઇ દરમ્યાન મંદિરની  નજીકના લોંગેવાલામાં પાકિસ્તાનની ટેન્ક રેજિમેન્ટ સામે ભારતીય સેૈનિકોના વિજય બાદ મંદિર-પરિસરમાં વિજય સ્તંભ પણ બાંધવામાં આવ્યો છે. એ લડાઇમાં શહીદ સૈનિકોની યાદમાં દર વર્ષે ૧૬ ડિસેમ્બરે ત્યાં ઉત્સવ પણ ઊજવવામાં આવે છે.

હિંગળાજ માતાનો અવતાર માનવામાં આવતાં તનોટ માતાને આવડ માતાના નામે પણ ઓળખવામાં આવે છે. તનોટ માતાના ઇતિહાસ બાબતે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે લગભગ ૧૨૦૦ વર્ષ પહેલાં મામડિયા નામના નિઃસંતાન  ચારણે સંતાનપ્રાપ્તિની પ્રાર્થના સાથે હિંગળાજ શકિતપીઠની સાત વખત પગપાળા યાત્રા કર્યા પછી હિંગળાજ દેવીએ તેમના સ્વપ્નમાં આવીને ઇચ્છા પૂછી હતી. ત્યારે ચારણે દેવીને પોતાના ઘરે જન્મ લેવાની અરજ કરી હતી. ત્યાર પછી મામડિયાના ઘરે સાત દીકરીઓ અને એક દિકરાનો જન્મ થયો હતો. એ સાત દીકરીઓમાં એકનું નામ આવડ હતું. કહેવાય છે કે સાતેય દીકરીઓ ચમત્કારી હતી અને એ સાત કન્યાઓએ હુણ પ્રજાના આક્રમણથી માડ પ્રદેશનું રક્ષણ કર્યું હતું.

(11:41 am IST)