Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પેટનો ખાડો પુરવા ગરીબો દીકરીઓ વેચવા મજબૂર

અફઘાન પર તાલિબાનના કબજા બાદ કફોડી સ્થિતિ : અફઘાનિસ્તાનના દંપતીએ પોતાની બંને પુત્રીઓને અનુક્રમે ૩૩૫૦ ડોલર અને ૨૨૮૦ ડોલરમાં વેચી

કાબુલ, તા.૨૭ : કોરોના, દુકાળ અને ઉપરથી તાલિબાનના શાસને અફઘાનિસ્તાનના લોકોની સ્થિતિ દયાજનક બનાવી દીધી છે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે સોમવારે જ ચેતવણી આપી હતી કે, અફઘાનિસ્તાનમાં ૫૦ ટકા કરતા વધારે વસ્તીને નવેમ્બર મહિનાથી ભૂખમરાનો સામનો કરવો પડશે. દેશના ઘણા હિસ્સામાં આ સ્થિતિ સર્જાઈ ચુકી છે. એક ઈન્ટરનેશનલ ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ગરીબ પરિવારો પોતાની દીકરીઓ વેચી રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ફાહિમા નામની મહિલાનુ કહેવુ છે કે, મારા પતિએ ૬ વર્ષ અને દોઢ વર્ષની મારી બે બાળકીઓને કોઈની સાથે લગ્ન કરાવવા માટે વેચી ચુકયા છે. હું આ માટે ઘણી વખત રડી ચુકી છું. મારા પતિએ મને કહ્યુ હતુ કે, જો આપણે દીકરીઓને ના વેચત તો આપણે મરી જાત, આપણી પાસે ખાવા માટે કશું છે જ નહી. મને પણ ખરાબ લાગ્યુ છે પણ આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આ ન્યૂઝ એજન્સીનુ કહેવુ છે કે, દંપતીએ પોતાની બંને પુત્રીઓને અનુક્રમે ૩૩૫૦ ડોલર અને ૨૨૮૦ ડોલરમાં વેચી છે. આ બાળકીઓના ભાવિ પતિ પણ હજી સગીર જ છે. અન્ય એક રિપોર્ટમાં કહેવાયુ છે કે, પશ્ચિમ અફઘાનિસ્તાનમાં પણ એક મહિલાએ પોતાની દીકરીને ૫૦૦ ડોલરમાં એટલા માટે વેચી છે કે, બીજા બાળકોના ખાવા માટે વ્યવસ્થા થઈ શકે છે. બાળકોના લગ્ન માટે બાળકીને ખરીદનારા વ્યક્તિએ દાવો કર્યો હતો કે, મારા પુત્ર માટે હું આ બાળકીનો ઉછેર કરવા માંગુ છું. બાળકીની માતાએ કહ્યુ હતુ કે, મારા બીજા બાળકો ભૂખે મરી રહ્યા હતા અને તેના કારણે મારે મારી પુત્રીને વેચવી પડી છે. હું કેમ દુખી ના થઉં? એ મારી પુત્રી છે.

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ અફઘાનિસ્તાનનો બદઘિસ દુકાળથી ભારે પ્રભાવિત છે. આ વર્ષે વરસાદ નહીં પડતા ફરી બાળકીઓને વેચવાના કિસ્સા વધ્યા છે. ૨૦૧૮માં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. અન્ય એક મહિલા ગુલ બીબી કહે છે કે, આ વિસ્તારમાં બહુ લોકો બાળ વિવાહથી મળતા પૈસાના સહારે જીવી રહ્યા છે. ગુલ બીબી પોતે પણ પોતાની એક પુત્રીને વેચી ચુકી છે. લોકોની માનસિક હાલત પણ બહુ ખરાબ થઈ ગઈ છે.

ભૂખમરાથી કંટાળીને લોકો રાહત કેમ્પમાં રહી રહ્યા છે પણ ત્યાં પણ ઘમી તકલીફો છે. આ વિસ્તારના તાલિબાનના ગર્વનર મૌલવી અબ્દુલ સત્તારનુ કહેવુ છે કે, બાળ વિવાહ ખરાબ ઈકોનોમીના કારણે થઈ રહ્યા છે. તાલિબાનની સત્તા કે શરીયા કાનૂન તેના માટે જવાબદાર નથી.

(9:18 pm IST)