Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મહિલા દ્રાક્ષની ખેતીથી વર્ષે ૩૦ લાખની કમાણી કરે છે

ખેતી કરવામાં પણ મહિલાઓ પુરૂષથી પાછળ નથી : પતિના નિધન બાદ મહિલાએ ૧૩ એકર જમીન પર દ્રાક્ષ અને ટામેટાની ખેતી કરીને અઢળક પૈસા કમાય છે

નાસિક, તા.૨૭ : ભારત એક ખેતીપ્રધાન દેશ છે તે આપણે સૌ જાણીએ છીએ, સાથે સાથે ભારતને પુરુષપ્રધાન દેશ પણ કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં ખેતીનું કામ માત્ર પુરુષો સુધી સીમિત નથી. ખેતીના કામમાં તમને અનેક મહિલાઓ પણ જોવા મળશે. જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે આપણા દિમાગમાં સૌપ્રથમ હળની સાથે એક પુરુષની પ્રતિમા ઉભી થશે. પરંતુ દેશમાં એવી અનેક મહિલાઓ છે જે ખેતરમાં માત્ર મજૂરીના કામ સુધી સીમિત નથી, તે નેતૃત્વ કરતી હોય છે. આવા જ એક મહિલા છે નાસિકના માટોરી ગામમાં રહેતા સંગીતા પિંગલ.

તાજેતરમાં એક મુલાકાતમાં તેમણે પોતાની સંઘર્ષની કહાની સંભળાવી હતી. સંગીતા કહે છે કે, મને કહેવામાં આવતુ હતું કે મહિલાઓ ખેતી નથી કરી શકતી. હું તે લોકોને ખોટા સાબિત કરવા માંગતી હતી. વર્ષ ૨૦૦૪માં મારા બીજા બાળકનો જન્મ થવાનો હતો, પરંતુ અમુક સમસ્યાઓ ઉભી થઈ અને મેં મારા બાળકને ગુમાવી દીધું. વર્ષ ૨૦૦૭માં એક માર્ગ અકસ્માતમાં મારા પતિનું અવસાન થઈ ગયું. તે સમયે હું ગર્ભવતી હતી. મારા સાસરિયા પક્ષ તરફથી મને ઘણો સહકાર મળ્યો. થોડા સમય પછી મારા સસરાનું પણ અવસાન થયું. તેમની પાસે ૧૩ એકર જમીન હતી, જેની જવાબદારી મારા માથે આવી પડી હતી. સંગીતા જણાવે છે કે, હવે ખેતી જ આવકનું એકમાત્ર સાધન છે. સંબંધીઓ અમારાથી દૂર થઈ ગયા હતા. બધા કહેતા હતા કે આ સ્ત્રી છે, એકલી ખેતીનું કામ નહીં સંભાળી શકે. પણ હું પોતે ખેતરમાં કામ કરવા લાગી. સંગીતાએ ખેતરમાં દ્વાક્ષ અને ટામેટાની ખેતી કરી અને લાખો રુપિયા કમાણી કરી. સંગીતાએ પોતાનું સોનું આપીને લોન લીધી. તેમના ભાઈઓએ ખેતી વિષે જાણકારી આપી. સંગીતાએ પોતે વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ તેને હવે કામ લાગી રહ્યો હતો.

સંગીતાએ અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. ઘણી વાર પાકને નુકસાન થઈ જતુ હતું, ઘણીવાર પાણીનો પંપ ખરાબ થઈ જતો હતો. સંગીતાએ ટ્રેક્ટર ચલાવતા પણ શીખવુ પડ્યું. ધીરે ધીરે ૮૦૦થી ૧૦૦૦ ટન દ્વાક્ષ થવા લાગી. આ રીતે તેમણે ૨૫-૩૦ લાખ રુપિયા કમાણી શરુ કરી. સંગીતા હજી પણ ખેતી વિષે શીખી રહ્યા છે. તે પોતાના ખેતરમાં ઉગેલી દ્વાક્ષને એક્સપોર્ટ કરવાનું કામ કરે છે. તેમની દીકરી ગ્રેજ્યુએશન કરી રહી છે, દીકરો પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે. સંગીતા જણાવે છે કે, ખેતીના કારણે તેમનામાં ધીરજ આવી ગઈ છે.

(7:52 pm IST)