Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ડુબતા પાકિસ્તાનને મળ્યો સહારો : ઇમરાનનું સાઉદીના શરણે જવાનું સફળ : ૩ અબજ ડોલરની 'ભીખ' મળી

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડહોળાઈ રહી છે, લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે અને દેશ ઝડપથી ગરીબી તરફ આગળ વધી રહ્યો છે

ઇસ્લામાબાદ તા. ૨૭ : નયા પાકિસ્તાનના નારા સાથે સત્તામાં આવેલા ઈમરાન ખાને પાકિસ્તાનની હાલત બગાડી નાખી છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ડહોળાઈ રહી છે, લોકો મોંઘવારીથી પીડાઈ રહ્યા છે અને દેશ ઝડપથી ગરીબી તરફ આગળ વધી રહ્યો છે, આવી સ્થિતિમાં સાઉદી અરેબિયા ડૂબતા દેશને બચાવવા માટે  સામે આવ્યું છે. સાઉદીએ ગરીબીની કગાર પર  ઉભેલા પાકિસ્તાનને મોટી રાહત મળી  છે. સાઉદી અરેબિયાએ કહ્યું છે કે તે વિદેશી અનામત સાથે રોકડની તંગીવાળા દેશને મદદ કરવા માટે પાકિસ્તાનની કેન્દ્રીય બેંકમાં યુએસ ઼ ૩ બિલિયન જમા કરી રહ્યું છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટે મંગળવારે આ જાહેરાત કરી હતી.

સાઉદી ફંડ ફોર ડેવલપમેન્ટે કહ્યું કે તે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)માં ઼૩ બિલિયન જમા કરી રહ્યું છે. એટલું જ નહીં, નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક સત્તાવાર નિર્દેશ જારી કરવામાં આવ્યો છે, જેના હેઠળ આ વર્ષે પાકિસ્તાનને તેલ ઉત્પાદનોના વેપાર માટે ૧.૨ બિલિયન ડોલર આપવામાં આવશે. સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આ રાહત એવા સમયે આપી છે જયારે પાડોશી દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે અને તેની અર્થવ્યવસ્થા નાદારીની આરે છે.

પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરી અને ઉર્જા મંત્રી હમાદ અઝહરે સાઉદી અરેબિયા તરફથી પાકિસ્તાનને આ મદદની પુષ્ટિ કરી છે. અઝહરે સમાચાર શેર કરતી વખતે કહ્યું કે આ વૈશ્વિક કોમોડિટીના ભાવમાં વધારાના પરિણામે અમારા ટ્રેડિંગ અને ફોરેકસ એકાઉન્ટ્સ પરના દબાણને હળવું કરવામાં મદદ કરશે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે રિયાધમાં મિડલ ઇસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ સમિટની બાજુમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સાઉદ સાથે મુલાકાત કરી હતી. ઇમરાન ખાન ૨૩ થી ૨૫ ઓકટોબર સુધી સાઉદી અરેબિયાની મુલાકાતે હતા, જયાં તેમણે રિયાધમાં મિડલ ઇસ્ટ ગ્રીન ઇનિશિયેટિવ (MGI) કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ રીતે જોવામાં આવે તો ઈમરાન ખાન માટે સાઉદી શરણમાં જવાનું કામમાં આવ્યું.

(3:02 pm IST)