Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જુલાઇ સુધીનું ચુકવણું દિવાળી પૂર્વે નહીં કરનાર સાથે વેપાર બંધ કરાશે

રોકડની ખેંચ સર્જાતા કાપડ વેપારીઓએ જૂની ઉઘરાણી કાઢી : ૩૦ દિવસની બિલ ચુકવણીની સાઇકલ અમલમાં લાવવા વેપારીઓનો નિર્ણય

સુરત, તા.૨૭: દિવાળી, છઠપૂજા, લગ્નસરા અને પોંગલના તહેવારની એકસામટી નીકળેલી ખરીદીના કારણે અત્યાર સુધીમાં મળનારા વેપારમાં સૌથી વધુ વેપાર સુરતના કાપડ વેપારીઓને મળ્યો છે. ત્યારે સારા વેપારની આડમાં જૂના બિલની ચુકવણી બાકી રાખનારાઓ સામે પગલાં ભરવા વેપારી સંગઠને નિર્ણય કર્યો છે. જુલાઈ સુધીનું ચુકવણું દિવાળી પૂર્વે નહીં કરનાર વેપારી સાથે વેપાર બંધ કરવા માટે સાઉથ ગુજરાત ટેકસટાઈલ ટ્રેડર્સ એસોસિયેશન (એસજીટીટીએ) દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાની બે લહેરના કારણે સુરતના કાપડ વેપારીઓએ બે વર્ષ સતત લગ્નસરાં, રમજાન, આડી, શાળા સત્રના યુનિફોર્મની ખરીદી જેવી સિઝનનો લાભ ગુમાવવો પડયો હતો. હવે દિવાળી સહિતના તહેવારો અને લગ્નસરાના કારણે કાપડ વેપારીઓને સારામાં સારો વેપાર મળ્યો છે. તેમાંયે મિલો બંધ રહેવાના મેસેજ વચ્ચે દક્ષિણ ભારતના બજારોમાંથી મોટા પ્રમાણમાં કાપડના બુકિંગ નોંધાયા છે. હાલ સ્થિતિ એવી છે કે, પ્રત્યેક દિવસે ૩૫૦ ટ્રક ભરીને કાપડની ડિલિવરી થાય છે છતાં ૩૦ ટકા કાપડના પાર્સલની ડિલિવરી બાકી રહી જાય છે. સારા વેપારના માહોલ વચ્ચે કાપડ વેપારીઓના સંગઠન સાઉથ ગુજરાત ટેકસટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનના પદાધિકારીઓની આગેવાનીમાં કાપડ વેપારીઓની મિટિંગ મળી હતી. જેમાં કોરોનાનું કારણ આપીને જૂની ખરીદીનું બિલ અટકાવીને બેઠેલા વેપારી સામે હવે કાર્યવાહી હાથ ધરવા નિર્ણય કરાયો છે. જેમાં જુલાઈ સુધીનું બાકી બિલ દિવાળી પૂર્વ નહીં ચૂકવનારા વેપારીઓ સાથે વેપાર નહીં કરવા માટે નિર્ણય ઘડવામાં આવ્યો છે.(૨૩.૬)

ધારો નહીં નક્કી થાય તો વેપારીઓનો બોજ વધશે

લાંબા સમયથી કાપડ વેપારીઓના રૂપિયા બહારગામના વેપારીઓ પાસે ફસાયેલા છે. હવે જે પ્રમાણે ખરીદી નીકળી છે તેને જોતા હવે પછી સ્થિતિ સારી રહે તેવી આશા છે પણ તેની સામે ધંધામાં વર્ર્કિગ કેપિટલ બની રહે તે માટે ધારો નક્કી કરવો જરૂરી છે.  પ્રોસેસિંગ, ટ્રાન્સપોર્ટ, પેકેજિંગ, વીવિંગ તમામે ૩૦ દિવસનો ધારો રાખ્યો છે. જેના કારણે અમે જે વેપારીઓનું ચુકવણું બાકી છે. તેમને જુલાઇ સુધીનુ બિલ દિવાળી પર્વે આપવા સુચન કર્યું છે. - સુનીલ જૈન (પ્રમુખ, એસજીટીટીએમ)

(10:40 am IST)