Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કાલથી કર્ણાટકમાં સંઘની ૩ દિવસની બેઠક : કામકાજની સમીક્ષા તથા રાજકીય સ્થિતિ ચર્ચાશે

સંઘના તમામ પેટા સંગઠનો પણ જોડાશે : નડ્ડા પણ જોડાય તેવી વકી

નવી દિલ્હી તા. ૨૭ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્કીંગ કમીટીની બેઠકમાં સંઘના કામકાજની સમીક્ષા અને ભાવી કાર્ય વિસ્તારની સાથે રાજકીય પરિસ્થિતિઓ પર પણ મંથન થશે. કર્ણાટકના ધારવાડમાં ૨૮ થી ૩૦ ઓકટોબર સુધી થનારી આ બેઠકમાં સંઘના બધા સંગઠનો ભાગ લેશે. બેઠકમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી અને અમૃત મહોત્સવ વર્ષના ભાવી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

કોરોના કાળના લીધે ગયા વર્ષથી આ વર્ષના જુલાઇ સુધી સંઘની બધી બેઠકો ઓનલાઇન માધ્યમથી ઓછી સંખ્યામાં પ્રત્યક્ષ હાજરી સાથે થઇ હતી. હવે પહેલીવાર સંપૂર્ણ હાજરી સાથે વર્કીંગ કમિટિની બેઠક થઇ રહી છે.

સૂત્રો અનુસાર ત્રણ દિવસની આ મંથન બેઠકમાં રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા થશે. બેઠકમાં ભાજપાના સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પણ ભાગ લેશે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા પણ ભાગ લે તેવી શકયતા છે. બેઠકમાં ભાજપા અને સંઘની વચ્ચે સમન્વયની સાથે પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીની રાજકીય સ્થિતિની સમીક્ષા અને તૈયારીની પણ ચર્ચા થશે. હાલમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ બાબતે પણ ચર્ચા કરાશે અને આ અંગે એક પ્રસ્તાવ પણ પાસ કરાશે.

સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર બાબતે અનુમાનો કરાઇ રહ્યા હતા. ત્રીજી લહેર સામે લડવા માટે જુલાઇ મહિનાની પ્રાંત પ્રચારક બેઠકમાં કાર્યકર્તાઓને ખાસ ટ્રેનીંગ બાબતે વિચાર થયો હતો. ત્યાર પછી દેશભરમાં દોઢ લાખથી વધારે જગ્યાઓએ પ્રશિક્ષણ કાર્યક્રમ થઇ ચૂકયો છે અને ૧૦ લાખથી વધારે કાર્યકર્તાઓને ટ્રેઇનીંગ અપાઇ ચૂકી છે. આશા છે કે ત્રીજી લહેર ન આવે તેમ છતાં પરિસ્થિતિની સમીક્ષા સાથે તૈયારી બાબતે ચર્ચા થશે.

(10:15 am IST)