Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કેપ્ટન અમરિન્દર અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવતા પંજાબ કોંગ્રેસમાં હલચલ

કોંગ્રેસે પોતાના ધારાસભ્યનો સંપર્ક સાધ્યો : મોટા નેતાઓની મુવમેન્ટ પર પણ નજર :કોંગ્રેસનાં લગભગ 15 ધારાસભ્યો અમરિન્દર સાથે સંપર્કમાં હોવાની ચર્ચા

નવી દિલ્હી : કેપ્ટન અમરિન્દર અચાનક પ્રેસ કોન્ફરન્સ બોલાવતા પંજાબ કોંગ્રેસમાં હલચલ જોવા મળી રહી છે. આ માટે અમરિન્દર સિંહ છેલ્લા એક મહીનાથી વર્કિંગ કરી રહ્યા છે. તેઓ નવી પાર્ટીની જાહેરાત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

અમરિન્દરની પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની ખબર મળતાં જ કોંગ્રેસે પોતાના ધારાસભ્યનો સંપર્ક સાધ્યો છે. આ ઉપરાંત મોટા નેતાઓની મુવમેન્ટ પર પણ નજર રાખવામા આવી રહી છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે અમરિન્દરની સાથે કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ પણ કોન્ફરન્સમાં નજરે પડી શકે છે.

ખાસ કરીને ચરણજીત ચન્ની મુખ્યમંત્રી બન્યા બાદ મંત્રી પદ પરથી હટાવવામાં આવેલા ધારાસભ્યો પર સૌની નજર છે. તેમાં રાણા ગુરમીત સોઢી, સાધુ સિંહ ધર્મસોત, ગુરપ્રીત કાંગડ, બલબીર સિદ્ધૂ અને શ્યામ સુંદર આરોડા સામેલ છે. એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસનાં લગભગ 15 ધારાસભ્યો અમરિન્દર સાથે સંપર્કમાં છે.

ભલે અમરિન્દર નવી શરૂઆત કરી રહ્યા છે, પરંતુ તેમના નજીકના લોકો જ સાથ છોડી રહ્યા છે. તેમાં સૌથી મોટું નામ કેપ્ટન સંદીપ સંધુનું છે, જે અમરિન્દરના CM રહેવા દરમિયાન તેમના સલાહકાર રહ્યા હતા. તેમણે અમરિન્દરના સૌથી નજીકના અને શક્તિશાળી માનવામાં આવે છે. અમરિન્દરને હટાવતા તેમણે પણ સલાહકાર પદ છોડી દીધું હતું.

કેપ્ટન અમરિંદર સાથે જોડાયેલો મોટો મુદ્દો તેમની પાકિસ્તાની મિત્ર અરુસાનો છે, જેના વિશે કોંગ્રેસ સરકારે રાજકારણ શરૂ કર્યું હતું. જો કે, કેપ્ટને સૌને અરુસાના સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ હસ્તીઓ સાથેના ફોટા જાહેર કરીને જવાબ આપ્યો હતો.

બીજો મુદ્દો ખેડૂત આંદોલનનો છે, જે બાબતે અમરિન્દરની નવી પાર્ટીનું રાજકારણ મંડરાઈ રહ્યું છે. અમરિન્દરે કૃષિ કાયદા મુદ્દે નિર્ણય બાદ જ ભાજપ સાથે ગઠબંધન કરવાની વાત કરી છે. એવામાં આ મુદ્દે પણ તેમની પ્રતિક્રિયા મહત્વની રહેશે. પંજાબમાં સર્વદળીય બેઠક દ્વારા ચન્ની સરકારે BSFના અધિકારી વધારવા સામે પ્રસ્તાવ પાસ કર્યો હતો. આ બાબતે કેપ્ટન સામે સવાલ થશે.

(10:01 pm IST)