Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બેઝોસ અંતરિક્ષમાં પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરશે

એમેઝોનની સ્થાપકની બ્લૂ ઓરિજિન સ્પેસ કંપની છે : આ સ્પેસ સ્ટેશન ૨૦૨૫ પછી ગમે ત્યારે લોન્ચ કરવામાં આવશે, આ સ્ટેશનને ઓર્બિટલ રીફ નામ આપવામાં આવ્યું

નવી દિલ્હી , તા.૨૬ : એમેઝોનના સ્થાપક અને દુનિયાના સૌથી ધનિક લોકો પૈકીના એક જેફ બેઝોસ પોતાની બ્લુ ઓરિજિન નામની સ્પેસ કંપની પણ ધરાવે છે. બેઝોસે જાહેરાત કરી છે કે, અંતરિક્ષમાં હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ. જેમાં ૧૦ લોકોના રહેવાની જગ્યા હશે. આ સ્પેસ સ્ટેશન ૨૦૨૫ પછી ગમે ત્યારે લોન્ચ કરવામાં આવશે. આ સ્ટેશનને ઓર્બિટલ રીફ નામ આપવામાં આવ્યુ છે. જે અંતરિક્ષમાં બિઝનેસ પાર્કની ગરજ પણ સારશે. જ્યાં માઈક્રો ગ્રેવિટીને લગતુ રિસર્ચ પણ કરવામાં આવશે. બેઝોસની કંપની બ્લુ ઓરિજિનના એક અધિકારીના કહેવા પ્રમાણે અમે આગામી એક દાયકામાં સ્પેસમાં બિઝનેસ શરૂ કરીશું. સ્પેસ ફ્લાઈટને સામાન્ય બનાવવાની તમામ સુવિધાઓ આ સ્પેસ સ્ટેશન થકી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બીજી કંપનીઓ પણ આ પ્રકારના સ્ટેશન બનાવવા માટે વિચાર કરી રહી છે. નાનો રોક્સ કંપનીએ આ માટે લોકહીડ માર્ટીન કંપની સાથે કરાર કર્યા છે. બેઝોસનુ સ્પેસ સ્ટેશન ધરતીથી ૫૦૦ કિમીની ઊંચાઈ પર હશે. જે અત્યારના ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી થોડુ ઉપર હશે. અહીંયા રહેનારા યાત્રી ૨૪ કલાકમાં ૩૨ સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ શકશે. ૧૦ લોકો તેમાં રહી શકશે અને તેમાં વિશાળ બારીઓ પણ હશે. હાલનુ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન અમેરિકા અને રશિયાના સહયોગથી ૨૦૧૧માં બનાવાયુ હતુ અને તે ૨૦૨૮ બાદ બંધ કરવામાં આવે તેવી સંભાવના છે. ત્યાં સુધીમાં બીજા પ્રાઈવેટ સ્પેસ સ્ટેશન લોન્ચ થશે તેવુ અનુમાન છે.

 

(8:17 pm IST)