Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

અરૂણાચલ એલએસી પર ત્રણ વિસ્તારોમાં મોડલ વિલેજ બનાવશે આર્મી

ચીનની ચાલાકી સમજીને તેની જ ભાષામાં જવાબ આપશે ભારત

નવી દિલ્હી, તા.૨૬: છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદ ચાલુ જ છે. ચીને લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પાસે ત્રણ વર્ષ અગાઉથી જ ગામ બનાવવાની શરૂઆત કરી દીધી હતી.

LAC ની બીજી તરફ ચીન ઓલરેડી આ પ્રકારના ૬૦૦ થી વધારે ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવી ચૂક્યું છે. જેને બોર્ડર ડિફેન્સ વિલેજ કહેવામાં આવે છે. આમાંથી ૪૦૦ જેટલા બોર્ડર ડિફેન્સ વિલેજ પુર્વિય વિસ્તારમાં જ છે. ચીનના બોર્ડર ડિફેન્સ વિલેજનાં જવાબમાં ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવતા સામી પ્રવૃત્તિ શરૂ કરી દીધી છે.હવે ભારત પણ એલએસી પાસેના ગામડાઓમાં આ પ્રક્રિયા તેજીથી કરી રહ્યું છે.

અરૂણાચલ પ્રદેશ સરકાર અને ઇંન્ડિયન આર્મી મળીને આ મોડેલ વિલેજ બનાવી રહ્યા છે. LAC પાસે હાલ તો ત્રણ ગામ સિલેકટ કરવામાં આવ્યા છે. હાલ તો આ પાયલટ પ્રોજેકટ હશે. જેનો પાછળથી વિસ્તાર કરવામાં આવશે. ચીન છેલ્લા ઘણાં સમયથી નવો લેન્ડ બોર્ડર કાયદો પસાર કર્યો હતો જે પ્રથમ જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. આ કાયદા હેઠળ બોર્ડરમાં કોઈ પણ વિસ્તારોમાં તેઓ પોતાના સામાન્ય નાગરિકોને વસવાટ કરવા માટે તૈયાર કરશે એવા સમાચાર મળ્યા હતા.

ચીને ભલે હવે નવો લેન્ડ ડિફેન્સ કાયદો બનાવ્યો હોય, પરંતુ ચીન પહેલાથી જ LAC પર અનેક સરહદ સંરક્ષણ ગામો બનાવી ચૂક્યું છે. આ ગામો ચીની સેના પીએલએની દેખરેખ હેઠળ છે. આ ગામો મોટા કોમ્પ્લેકસ છે, તેમાં તમામ સુવિધાઓ છે. ભારતીય સેનાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ચીનનું આ આધુનિક ગામ LACની નજીક વિઝયુઅલ રેન્જમાં છે. આ બે-ત્રણ વર્ષ પહેલાથી બનાવવામાં આવી રહ્યા છે પરંતુ હાલમાં તે ખાલી છે.

(2:56 pm IST)