Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સહકારી બેંકોમાં સુધારાનો રાહ કઠિન : અનેક રાજ્યોને વાંધો

સુધારાનું કામકાજ અટવાયુ : લાંબી કાનુની લડાઇમાં કેસ ફસાવ્યો

 

નવી દિલ્હી તા. ૨૬ : ૨૦૧૯માં પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંક (પીએમસી)માં થયેલ કૌભાંડ પછી રીઝર્વ બેંક અને કેન્દ્ર સરકારે સહકારી બેંકોના કામકાજમાં સુધારાની કોશિષ કરી હતી. આ સુધારાઓ અત્યારે તો અટકી ગયા હોય તેવું લાગે છે. સહકારી બેંકો પર નિયંત્રણ મજબૂત કરવા બાબતે રિઝર્વ બેંકની કોશિષોને ઘણાં રાજ્યોએ વિભીન્ન ન્યાયમંચો પર પડકારી છે. આ રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને તમિલનાડુ મુખ્ય છે. ત્યાંની અદાલતોમાં કેસ થવાથી શહેરી સહકારી બેંકોની હાલત સુધારવા માટેની રિઝર્વ બેંક દ્વારા રચાયેલ નિષ્ણાંત સમિતિની ભલામણો અત્યારે લાગુ થવાની શકયતા ઓછી છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે લાંબી કાયદાકીય લડાઇમાં આખી બાબત અટવાઇ ગયેલી જણાય છે. પીએમસી બેંકમાં ફ્રોડ પછી કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક સાથે ચર્ચા કર્યા પછી બધા પ્રકારની સહકારી બેંકો ખાસ કરીને શહેરી સહકારી બેંકોમાં સુધારાના પ્રયત્નો કર્યા હતા. સહકારી બેંકો પર ડબલ નિયંત્રણ વ્યવસ્થાને ખતમ કરવાની સૌ પહેલા કોશિષ કરાઇ હતી. તેના હેઠળ સરકારે બેંકીંગ નિયમન કાનુનમાં સુધારા વિધેયક ૨૦૨૦ પસાર કરાવ્યું. ત્યાર પછી રિઝર્વ બેંક તરફથી કેટલીક અધિસૂચનાઓ જાહેર કરાઇ જેથી સહકારી બેંકોના કામકાજ પર નિગરાણી રાખી શકાય.

રિઝર્વ બેંકે આ વર્ષે જૂનમાં સહકારી બેંકોમાં ટોચના હોદ્દાઓ અને મેનેજમેન્ટ કમિટિના સભ્યોની નિમણૂંક અંગે જે અધિસૂચના જાહેર કરી તેનાથી સંપૂર્ણ સહકારી વ્યવસ્થામાં ખળભળાટ મચી ગયો હતો. એ અધિસૂચનામાં બધી સહકારી બેંકોના ટોચના હોદ્દાઓ પર નિમણુંકની મુદ્દત અને યોગ્યતાઓ નક્કી કરી દેવાઇ સાથે જ રાજકીય વ્યકિતઓને આ હોદ્દાઓ પરથી દૂર કરી દેવામાં આવ્યા. આના કારણે આ અધિસૂચનાને એક સાથે કેટલીય કોર્ટોમાં પડકારવામાં આવી અને તેના પર સ્ટે આવી ગયો. હવે આખી બાબત કોર્ટમાં હોવાથી રીઝર્વ બેંક સુધારા માટેના અન્ય પગલાઓ પણ નથી લઇ શકતી.

(11:06 am IST)