Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ભારત હમણાં જ હાર્યુ છે એટલે આ વખતે આ વાત કરવી ઠીક નથી

ઇમરાન ખાનનું શરમજનક નિવેદન

ઇસ્લામાબાદ, તા.૨૬: પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતની હારની મજાક ઉડાવતા શરમજનક નિવેદન આપ્યું છે. ઈમરાન ખાને જણાવ્યું કે મને ખબર છે કે કાલે રાતે પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચમાં કારમા પરાજય મળ્યા બાદ ભારતની સાથે સંબંધ સુધારવા અંગે વાતચીત કરવાનો આ યોગ્ય સમય નથી. પરંતુ હું કલ્પના કરુ છું કે અમે કોઈ રીતે ફકત એક મુદ્દાનો ઉકેલ લાવી શકીએ તો તે મુદ્દો કાશ્મીર હશે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ખુદ એક ક્રિકેટના ખેલાડી રહી ચૂકયા છે તેમ છતાં પણ તેમનું નિવેદન ખેલની ભાવનાથી વિપરીત છે.

ઇમરાન ખાને કહ્યું કે, ચીન સાથે અમારા સારા સંબંધો છે અને આપણે ભારત સાથે નાતો સુધારવાની પણ જરૂર છે. જોકે, હું જાણું છું કે રવિવારે રાત્રે પાકિસ્તાની ક્રિકેટ ટીમની મોટી જીત બાદ ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરવાનો આ યોગ્ય સમય નથી. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે બંને દેશો વચ્ચે એક જ મુદ્દો છે અને તે છે કાશ્મીર. તેમણે કહ્યું કે બંને દેશોએ સભ્ય પડોશીની જેમ આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.

ઇમરાન ખાન સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમણે પાકિસ્તાન-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં રોકાયેલા ટોચના સાઉદી ઉદ્યોગપતિઓ સાથે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. ઇમરાન ખાને કહ્યું કે, અમે માત્ર ૭૨ વર્ષ પહેલા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા કાશ્મીરીઓને આપવામાં આવેલા આત્મનિર્ણયના અધિકારની વાત કરી રહ્યા છીએ. જો તેમને આ અધિકાર મળે તો અમને બીજી કોઈ સમસ્યા નથી. બંને દેશો શિષ્ટ પડોશીઓની જેમ રહી શકે છે... પછીની અપાર સંભાવનાઓ વિશે વિચારો.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, પાકિસ્તાની ટીમ, ખાસ કરીને બાબર આઝમને અભિનંદન, જેમણે પોતાની તમામ હિંમતથી ટીમનું નેતૃત્વ કર્યું હતું અને રિઝવાન અને શાહીન આફ્રિદી એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાન આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ પણ તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું હતું કે, સીઓએએસ ભારત સામેની આઇસીસી વર્લ્ડ કપની મેચ શાનદાર દેખાવ સાથે જીતવા બદલ પાકિસ્તાની ક્રિકેટ ટીમને અભિનંદન.

(9:49 am IST)