Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

યુકેમાં પેટ્રોલના ભાવ આ વર્ષે 30 પેન્સ વધ્યા બાદ ઐતિહાસિક સપાટીએ સ્પર્શ્યા

ડીઝલના ભાવ અગાઉના વિક્રમજનક સ્તરથી નીચે

નવી દિલ્હી: યુકેમાં પેટ્રોલના ભાવ આ વર્ષે 30 પેન્સ વધ્યા પછી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. જ્યારે ડીઝલના ભાવ અગાઉના વિક્રમજનક સ્તરથી નીચે છે, એમ નવા આંકડા દર્શાવે છે.

રવિવારે યુકેમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 142.94 પેન્સ એટલે કે લગભગ 143 ડોલરની સપાટીના સ્તરની નજીક પહોંચી ગયા હતા. આ સાથે તેણે અગાઉ એપ્રિલ 2012માં નોંધાયેલા પ્રતિ લિટર 142.47 પેન્સના ઊંચા સ્તરને વટાવી દીધું હતું. જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લિટર 146.5 પેન્સ પર પહોંચ્યા હતા, તે હવે પ્રતિ લિટર 147.93 પેન્સની સપાટીથી થોડા જ દૂર છે.

પેટ્રોલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. વર્ષ પહેલા ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 40 ડોલર હતા અને આજે વધીને તે 82 ડોલરની સપાટી વટાવી ગયા છે. આટલું જ નહી નવા E-10 કેટેગરીના પેટ્રોલના લીધે પણ તેનો ભાવ વધ્યો છે. આ ઉપરાંત રિટેલરો પણ રોગચાળા પહેલા પ્રતિ લિટરે જેટલો માર્જિન હતો તેના કરતા વધારે માર્જિન હાલમાં વસૂલી રહ્યા હોવાના પરિબળે પણ પેટ્રોલના ભાવમાં વૃદ્ધિમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મે 2020માં પેટ્રોલે પ્રતિ લિટર 106.48 પેન્સની નીચી સપાટી બનાવ્યા પછી તેનો ભાવ ઝડપથી વધ્યો હતો. ઓગસ્ટમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 135 પેન્સ પહોંચ્યા પછી નવેમ્બર 2020માં ઘટીને 114 પેન્સ થઈ ગયો હતો.

આ ભાવવૃદ્ધિની તુલના 2008-09માં આવેલા નાણાકીય કડાકા પછીની વૃદ્ધિ સાથે કરી શકાય. તે સમયે પેટ્રોલનો ભાવ જાન્યુઆરી 2009માં પ્રતિ લિટર 86 પેન્સથી વધીને મે 2010માં 121.5 પેન્સ પર પહોંચી ગયો હતો. જો કે 2009થી 2011 દરમિયાન પેટ્રોલ પરની ડયુટી પ્રતિ લિટર 52.35 પેન્સથી વધીને 58.95 પેન્સ થઈ ગઈ હતી.

(12:34 am IST)