Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

અનલોક-5ની ગાઇડલાઇન વધુ એક મહિનો લંબાવાઈ : ગૃહમંત્રાલયની ગાઈડલાઈન જાહેર

30 સપ્ટેમ્બરે જાહેર કરેલી ગાઈડલાઈન 30 નવેમ્બર સુધી લાગુ રહેશે: કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન થશે: કન્ટેઈન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કામકાજને મંજૂરી:ગાઈડલાઈનમાં કોઈ નવો સુધારો વધારો નહી

નવી દિલ્હી, તા. ૨૭ : ભારતમાં કોરોના વાયરસની વચ્ચે અનેક ગૂડ ન્યૂઝ છે. રાહત આપનારા સમાચાર એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના કેસ ગત દિવસોની અપેક્ષા ઓછા છે. ખુશખબર એ પણ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જો કે તેમ છતા કેન્દ્રની મોદી સરકાર કોરોના સંક્રમણને જોતા કોઈ પણ પ્રકારની લાપરવાહી વર્તવા નથી ઇચ્છતી. સરકારે અનલૉક-૫ને જોતા ગાઇડલાઇન્સ જાહેર કરી છે.

ગૃહ મંત્રાલય તરફથી કોરોના મહામારીને જોતા અનલોક-૫ની ગાઇડલાઇન્સને જાહેર કરતા ૩૦ સપ્ટેમ્બરના આદેશોને જ લાગુ રાખ્યા છે. કહેવામાં આવ્યું છે કે ગૃહ મંત્રાલયે કોરોના ગાઇડલાઇન્સને જોતા ૩૦ સપ્ટેમ્બરના જે આદેશ લાગુ કરવામાં આવ્યા હતા તે હવે ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી પ્રભાવમાં રહેશે. ગૃહ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે રાજ્યમાં અથવા રાજ્યથી વસ્તુઓ અને લોકોના આવન-જાવન પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધ નહીં હોય. આ કાર્યો માટે કોઈ પણ પ્રકારની વિશેષ પરવાનગી અથવા ઈ-પરમિટની જરૂર નહીં હોય.

એટલું જ નહીં, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૩૦ નવેમ્બર સુધી સખ્તાઈથી લૉકડાઉનનું પાલન કરાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી સ્વાસ્થ્ય મંત્રીના સચિવ રાજેશ ભૂષણે કોરોનાની સ્થિતિને લઇને કહ્યું કે, "છેલ્લા ૫ અઠવાડિયાથી જોવામાં આવી રહ્યું છે કે કોરોનાથી થનારી નવી મોતોની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે." તેમણે એ પણ કહ્યું કે, દેશમાં હવે રિકવરી રેટ ૯૦.૬૨ ટકા પહોંચી ગયો છે. આ સતત વધી રહ્યો છે, જે એક સારો સંકેત છે.

રાજેશ ભૂષણે કહ્યું કે, "કોરોનાના ૭૮ ટકા એક્ટિવ કેસ ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૮ ટકા નવા મોત ૫ રાજ્યો (મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, દિલ્હી, છત્તીસગઢ અને કર્ણાટક)માં નોંધાયા છે." તેમણે કહ્યું કે, તહેવારો દરમિયાન કેરળ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

(9:09 pm IST)