Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

શું દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈ સરકાર કોઈ નિર્ણય લેશે? કોરોના દર્દી માટે ધુમાડો જીવલેણ?

તબીબોનું માનવું છે કે, ફટાકડાનો ધુમાડો કોરોના ગ્રસ્ત દર્દી અને કોરોનામાંથી સારવાર લઇને સાજા થયેલા દર્દીઓને ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે

નવી દિલ્હી,તા. ૨૭:  કોરોનાની મહામારી દરમિયાન તહેવારોની ઉજવણી માટે સરકાર દ્વારા કેટલીક ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી હતી. જોકે હવે જયારે દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડા ફોડવા ને લઈને સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેલી છે. કારણ કે, કેટલાક તબીબોનું માનવું છે કે, ફટાકડાનો ધુમાડો કોરોના ગ્રસ્ત દર્દી અને કોરોનામાંથી સારવાર લઇને સાજા થયેલા દર્દીઓને ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે.છેલ્લા કેટલાક સમયથી કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. જોકે નવેમ્બર માસમાં કોરોના ફરી એક વખત વકરે તેવું કેટલાક નિષ્ણાતોનું માનવું છે. જોકે હવે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવારમાં આ વર્ષે લોકો ફટાકડા ન ફોડે તે હિતાવહ હોવાનુ તબીબો માની રહ્યા છે. કારણ કે, ફટાકડાનો ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાને નુકસાન પહોંચી શકે છે.

કોરોનાના કારણે દર્દીના ફેફસા પર અસર થાય છે અને જો એવામાં ફટાકડાનો ધુમાડો હવામાં ભળે તો આવા દર્દી અને સાજા થયેલા વ્યકિતને શ્વાસ લેવામાં થઈ શકે છે. એટલું જ નહીં અન્ય કેટલાક રોગ થવાનો પણ ડર રહેલો છે. દિવાળી દરમિયાન વાતાવરણમાં સામાન્ય રીતે ઠંડક જોવા મળતી હોય છે અને ઠંડક વાળા વાતાવરણમાં હવા નીચલા સ્તર પર જોવા મળે છે. એટલે ફટાકડા નો ધુમાડો પણ હવામાં ભળેલો હોય છે. જે હવા શ્વાસ મારફતે લેવાથી કોરોના પોઝિટિવ દર્દીઓ ને તો શ્વાસોશ્વાસ અને ફેફસા અસર થાય છે.

જોકે આ દરમિયાન આવા વ્યકિત કે જેઓ કોરોના માંથી સાજા થયા છે. તેઓને ઘરની બહારના નીકળવા માટેની અપીલ તબીબ કરી રહ્યા છે. એટલું જ નહિ દ્યરમાં પણ માસ્ક પહેરવું જોઈએ કે જેથી ફટાકડાના ધુમાડા યુકત હવા તેઓના સ્વાસ્થ્યને નુકસાન ના કરે.

(11:45 am IST)