Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

નોકરીઓ અને ઉદ્યોગો હશે કેન્દ્રસ્થાને

દિવાળી પહેલા થઈ શકે છે ત્રીજા રાહત પેકેજની જાહેરાત

નવી દિલ્હી, તા.૨૭: કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં ત્રીજું રાહત પેકેજની જાહેરાત કરે તેવી શકયતા છે. જો કે આ વખતે સરકાર સીધા શહેરી રોજગાર યોજનાઓમાં રૂપિયા ખર્ચ કરવાના બદલે તેની સાથે જોડાયેલી કંપનીઓમાં રૂપિયા ખર્ચ કરી શકે છે. સરકાર એ ઈન્ડસ્ટ્રી માટે રાહત પેકેજ જાહેર કરી શકે છે જેની પર કોરોના મહામારીનો સૌથી વધુ ફટકો પડ્યો છે. આ પેકેજને આધારે સરકાર અર્બન પ્રોજેકટ્સની સાથે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરને વેગ આપી શકે છે. પ્રોડકશન લિંકડ ઈસેંટિવ્સને વિસ્તાર માટે મદદ કરાશે. આ સિવાય હોસ્પિટિલિટી અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને માટે સીધી મદદ કરી શકાશે.

કેન્દ્ર સરકાર કોરોના સંકટથી દેશના અર્થતંત્રને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. આ  પ્રયાસમાં સરકાર હાલમાં ત્રીજા પ્રોત્સાહન પેકેજ પર કામ કરી રહી છે. અગાઉ, માર્ચ ૨૦૨૦ના અંતમાં લોકડાઉન શરૂ થયા પછી સરકારે પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી હતી. જોકે, સરકારે હવે શહેરી રોજગાર યોજનાના પ્રસ્તાવમાં રોકાણ ટાળ્યું છે. આ કિસ્સામાં પોલીસી મેકર્સે જણાવ્યું હતું કે શહેરી પ્રોજેકટ્સથી સંબંધિત કેન્દ્ર અને રાજય સરકારની કંપનીઓમાં રોકાણ કરવાથી રોજગારની તકો પણ વધશે. આ કારણે કોઈ અલગ યોજનામાં નાણાંનું રોકાણ કરવાની જરૂર નથી.

 સરકારનું ફોકસ ટીયર-૧થી ટીયર -૪ સુધીની પરિયોજનાઓ પર રહેશે. તેમાં રોકાણ વધારીને નવા અવસર તૈયાર કરાશે. સરકારે આ વખતે રાહત પેકેજ માટે નેશનલ ઈન્ફ્રાસ્ટ્રકચર પાઈપલાઈનથી ૨૦-૨૪ યોજનાઓ પસંદ કરી છે. તેમાં કેપિટલ રકમ વધારાશે. આ કેસમાં અધિકારીએ કહ્યું કે નવી મુંબઈ અને ગ્રેટર નોઈડામાં બની રહેલું એરપોર્ટ પણ સામેલ છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ મહિનાની શરૂઆતમાં માંગ વધારવા માટે અનેક જાહેરાત કરી છે. કોરોના સંક્રમણ શરૂ થયા બાદ તે સરકાર તરફથી ત્રીજું પેકેજ હશે. માર્ચ ૨૦૨૦માં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે ૧.૭૦ લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે. જેથી સંકટમાં ગરીબોની મદદ કરી શકાય. મે ૨૦૨૦માં ૨૦.૯૭ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. હાલમાં નાણાંમંત્રી સીતારમણે મોટી સરકારી કંપનીઓની પૂંજીગત ખર્ચ વધારવા માટે ડિસેમ્બર ૨૦૨૦ સુધી ૭૫ ટકા ખર્ચ કરવા કહ્યું છે.

(10:36 am IST)