Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભાજપે સચિન પાયલટ માટે લાલ જાજમ પાથરી

રાજસ્‍થાન રાજકીય સંકટ : કેસરીયા પાર્ટીના દરવાજા હંમેશ માટે ખુલ્લા છેઃ ખુલ્લી ઓફર

જયપુર, તા.૨૭: રાજસ્‍થાન કોંગ્રેસમાં રાજકીય ઉઠબેસ વચ્‍ચે હવે ભાજપાએ પણ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ છે. જેમાં એક તરફ સચિન પાયલોટને મુખ્‍યપ્રધાન બનાવવા બાબતે ધારાસભ્‍યો વચ્‍ચે બયાન બાજી શરૂ થઇ છે તો બીજી તરફ હવે ભાજપાએ પાયલોટને ખુલ્લી ઓફર આપી દીધી છે.

રાજસ્‍થાનના ભાજપા અધ્‍યક્ષ સતીષ પુનીયાએ પહેલા તો કોંગ્રેસમાં જે સ્‍થિતી ઉત્‍પન્‍ન થઇ છે તેની મજાક કરી અને પાયલોટ બાબતે મોટુ સ્‍ટેટમેન્‍ટ આપતા કહ્યું કે સચિન પાયલોટ માટે ભાજપાના દરવાજા બંધ નથી. પુનિયાએ એ પહેલા પણ કેટલાક ટવીટ કર્યા હતા જેમાં તેમણે લખ્‍યુ હતું, ‘આટલી અનિશ્‍ચીતતા તો આજના ભારત-ઓસ્‍ટ્રેલીયા ક્રિકેટ મેચમાં પણ નથી જેટલી રાજસ્‍થાનના કોંગ્રેસ પક્ષના નેતા બાબતે છે. ધારાસભ્‍યોની બેઠકો એક બાજુે ચાલી રહી છે તો બીજી તરફ રાજીનામાના રાજકીય પાખંડ ચાલી રહ્યા છે. આ લોકો કેવુ રાજ ચલાવશે, કયાં લઇ જશે રાજસ્‍થાનને, હવે તો ભગવાન બચાવે રાજસ્‍થાનને.'

જણાવી દઇએ કે ભાજપા દ્વારા પાયલોટને પક્ષમાં સામેલ કરવાનો પ્રયાસ થયો હોય એવુ આ પહેલીવાર નથી બન્‍યું. આ પહેલા પણ જયારે ૨૦૨૦માં ગેહલોત અને પાઇલોટ વચ્‍ચે તિરાડ પડી હતી ત્‍યારે ભાજપાએ પાયલોટને પોતાની તરફ ખેંચવાની કોશિષ કરી હતી પણ ત્‍યારે પાઇલોટે કહ્યું હતુ કે તે કોંગ્રેસથી અલગ થઇ શકે છે પણ ભાજપા સાથે હાથ નહીં મિલાવે.

રાજસ્‍થાનમાં ગેહલોત જૂથના ધારાસભ્‍યોએ જે પરિસ્‍થિતી ઉભી કરી છે તેનાથી પક્ષ માટે મુશ્‍કેલીઓ ઉભી થતી જાય છે. કેમ કે કોંગ્રેસે ધારાસભ્‍યોને એક જૂથ રાખવાના છે સાથે જ સચિન પાયલોટને આપેલા વચનો પણ પુરા કરવાના છે. ગેહલોત જૂથના ધારાસભ્‍યોએ ચોખ્‍ખું કહ્યું છે કે તેઓ પાયલોટને મુખ્‍યપ્રધાન નથી બનાવવા માંગતા. સીએમ તેમના જૂથમાંથી જ કોઇ બનવો જોઇએ.

(5:03 pm IST)