Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

PM મોદી પૂર્વ વડાપ્રધાન શિન્‍ઝો આબેના રાજકીય અંતિમ સંસ્‍કારમાં હાજરી આપવા જાપાન પહોચ્‍યા

મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી

ટોકીયો તા. ૨૭ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી હાલમાં જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્‍ઝો આબેના અંતિમ સંસ્‍કારમાં હાજરી આપવા જાપાનની મુલાકાતે છે અને મંગળવારે તેમના અંતિમ સંસ્‍કાર કાર્યક્રમમાં હાજરી આપશે. આબેના અંતિમ સંસ્‍કારમાં પીએમ મોદી સહિત ૨૦ દેશોના વડાઓ હાજર રહેશે. આજે વહેલી સવારે રાજધાની ટોક્‍યો પહોંચ્‍યા બાદ વડાપ્રધાન મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી અને કહ્યું કે મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્‍વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે સવારે જાપાનની રાજધાની ટોક્‍યો પહોંચ્‍યા હતા અને ત્‍યાં જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને પક્ષના લોકો હાજર હતા. પીએમ મોદી આબેની પત્‍નીને પણ મળશે. આબેના અંતિમ સંસ્‍કારમાં વિશ્વભરના ૧૦૦ થી વધુ વિદેશી પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આબેના અંતિમ સંસ્‍કાર ટોક્‍યોના નિપ્‍પોન બુડોકનમાં ભારતીય સમય અનુસાર સવારે ૧૦.૩૦ વાગ્‍યે કરવામાં આવશે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારત અને જાપાનની મિત્રતાએ વૈશ્વિક પ્રભાવ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમારા નેતૃત્‍વમાં ભારત-જાપાનના સંબંધો વધુ ગાઢ બનશે. વિશ્વની સમસ્‍યાઓને ઉકેલવામાં આપણે યોગ્‍ય ભૂમિકા ભજવી શકીશું. શિન્‍ઝો આબેને યાદ કરતાં તેમણે કહ્યું, ‘આજે દુઃખની આ ઘડીમાં અમે મળી રહ્યા છીએ. છેલ્લી વાર જયારે હું આવ્‍યો ત્‍યારે મેં શિન્‍ઝો આબે સાથે ખૂબ લાંબી વાત કરી હતી અને મેં ક્‍યારેય કલ્‍પના નહોતી કરી કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે.'

(1:33 pm IST)