Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

આજથી સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ

નવી દિલ્‍હી તા. ૨૭ : દેશની સર્વોચ્‍ચ અદાલતમાં કાનુની દાવાઓની કાર્યવાહીનું આજથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. આજે પહેલા દિવસે મહારાષ્ટ્રના ત્રણ મહિના જૂના સત્તાસંઘર્ષના કેસની સુનાવણી લાઈવ દર્શાવવામાં આવશે. દેશની દૃષ્ટિએ આ મહત્ત્વનું પગલું છે. સામાન્‍ય લોકોને હવે કોર્ટની કાર્યવાહી ઘેરબેઠાં નિહાળવા મળશે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્‍ચ સમક્ષ કેસોની સુનાવણીનું આજથી લાઈવ સ્‍ટ્રીમિંગ કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ મહિનાથી સત્તાસંઘર્ષ ચાલુ છે. આજે એને લગતા કેસમાં સુનાવણી કરવામાં આવનાર છે. ન્‍યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડના પ્રમુખપદ હેઠળ પાંચ ન્‍યાયાધીશોની બેન્‍ચ દ્વારા આ સુનાવણી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ૧૨ વિધાનસભ્‍યોને સસ્‍પેન્‍ડ કરવાનો મુદ્દો, રાજયપાલ તેમજ વિધાનસભાના સ્‍પીકરના અધિકારો, પક્ષાંતરવિરોધી કાયદો વગેરે મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. એ સાથે જ શિવસેના પાર્ટી કોની? ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની? તે વિશે સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય જાહેર કરશે.

(11:50 am IST)