Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વીમા સેવાએ અસંગઠિત ક્ષેત્રની મહિલા કામદારોને વીમા કવચ પૂરૂં પાડ્‍યાના ૩૦ વર્ષ પૂરા કર્યા

હાલમાં બિહાર, દિલ્‍હી, ગુજરાત, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન એમ પાંચ રાજયોમાંથી ૫,૦૨૯ મહિલાઓ સંસ્‍થાની વ્‍યક્‍તિગત શેરધારકો છે

મુંબઇ તા. ૨૩ : ભારતની એકમાત્ર બહુ-રાજય વીમા સહકારી સંસ્‍થા નેશનલ ઇન્‍સ્‍યોરન્‍સ વીમોસેવા કો-ઓપરેટિવ લિમિટેડે અસંગઠિત ક્ષેત્રની મહિલા કામદારો અને તેમના પરિવારોને વીમા કવચ પૂરું પાડ્‍યાના ૩૦ વર્ષની ઊજવણી કરી હતી. સેવા બેંકમાં ૧૯૯૨માં એક એકમ તરીકે શરૂ કરીને વીમોસેવાએ ૨૦૦૯માં એક સંપૂર્ણ સુવિધાયુક્‍ત સહકારી સંસ્‍થા તરીકે વિકસિત થઈ જેમાં શેર-ધારકો, પોલિસીધારકો અને મેનેજર તરીકે મહિલાઓ હતી. હાલમાં બિહાર, દિલ્‍હી, ગુજરાત, મધ્‍યપ્રદેશ અને રાજસ્‍થાન એમ પાંચ રાજયોમાંથી ૫,૦૨૯ મહિલાઓ સંસ્‍થાની વ્‍યક્‍તિગત શેરધારકો છે. સેવા ચળવળની ૧૧ સભ્‍યપદ આધારિત સંસ્‍થાઓ સંસ્‍થાકીય શેરધારકો છે.

વીમોસેવાની ત્રણ દાયકા લાંબી સફરને ચિહ્નિત કરવા અમદાવાદ મેનેજમેન્‍ટ એસોસિએશન ખાતે યોજાયેલી ઊજવણીમાં બોર્ડ અને ભાગીદારો સાથે ૩૦૦ મહિલા કાર્યકરોએ હાજરી આપી હતી.

વીમોસેવા હાલમાં ૧૪ રાજયોમાં ૨૫ સહકારી સંસ્‍થાઓ, એનજીઓ અને અન્‍ય નાગરિક સમાજ સંસ્‍થાઓ સાથે ૧,૦૦,૦૦૦ મહિલાઓને સેવા આપે છે. આ સમયગાળા દરમિયાન વીમોસેવાએ  મહિલા કામદારો માટે ૧૦ લાખ પોલીસી જારી કરી છે અને ક્‍લેઈમ સેટલમેન્‍ટ્‍સ દ્વારા મહિલાઓ અને તેમના પરિવારના સભ્‍યોને રૂ. ૨૬ કરોડના નક્કર આર્થિક લાભો આપવામાં આવ્‍યા છે.

ઊજવણી અંગે સેવાના સામાજિક સુરક્ષા વિભાગના નિર્દેશક અને વીમોસેવાના ફાઉન્‍ડિંગ બોર્ડ મેમ્‍બર મીરાઈ ચેટરજીએ જણાવ્‍યું હતું કે ‘વીમોસેવાના શરૂઆતના વર્ષોમાં અમે કલ્‍પના જ કરી નહતી કે અમે નાણાંકીય અને સામાજિક સુરક્ષા સાથે દેશભરની લાખો મહિલાઓ સુધી પહોંચી શકીશું. ગરીબો અને ખાસ કરીને આપણા દેશની મહેનત કરતી મહિલાઓ સુધી કેવી રીતે પહોંચવું તેના પાઠ સાથે આ યાત્રા સમૃદ્ધ રહી છે. અમે એટલું તો શીખ્‍યા કે અસંગઠિત મહિલા કામદારો વીમાપાત્ર છે, સાથેસાથે એ પણ જાણ્‍યું કે મહિલાઓના આર્થિક સશક્‍તિકરણ અને આત્‍મનિર્ભરતા માટે આ પ્રકારનું રિસ્‍ક કવરેજ આવશ્‍યક છે.'

(10:28 am IST)