Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

અશોક ગેહલોતે બળવાને ‘ભૂલ' ગણાવી, માફી પણ માંગી

‘અપમાન'થી ગાંધી પરિવાર નારાજ

નવી દિલ્‍હી,તા. ૨૭ : રાજસ્‍થાનના મુખ્‍યપ્રધાન અશોક ગેહલોતના સમર્થકો અને કોંગ્રેસના આલાકમાન વચ્‍ચે ઘર્ષણ ચાલુ છે. અહેવાલ છે કે ગેહલોતે આ મામલાને લઈને પાર્ટી નેતૃત્‍વની માફી માંગી છે, પરંતુ કથિત રીતે ગાંધી પરિવાર રાજસ્‍થાનમાં રાજકીય તણાવથી ખૂબ નારાજ છે. વાસ્‍તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજયમાં તણાવ મુખ્‍યમંત્રીની ખુરશીને લઈને છે. રવિવારે રાત્રે લગભગ ૮૦ ધારાસભ્‍યો પાયલોટના સીએમ બનવા સામે એક થયા હતા.

કોંગ્રેસને અપમાનિત કરવા બદલ ગાંધી પરિવાર ગેહલોતથી નારાજ છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજસ્‍થાનના સીએમએ સેન્‍ટ્રલ સુપરવાઈઝર મલ્લિકાર્જુન ખડગેની માફી માંગી છે. આ સાથે જ તેમણે ધારાસભ્‍ય દળની બેઠક તેમજ ધારાસભ્‍યોની અલગ બેઠક બોલાવી છે અને તે પછી થયેલા બળવાને  ‘ભુલ' ગણાવી છે.

ગેહલોત કહે છે કે,‘આવું નહોતું થવું જોઈતું હતું.' તે જ સમયે, તેણે સમગ્ર રાજકીય ઘટનાક્રમથી પોતાને દૂર કરી દીધા છે. તેમણે માહિતી આપી હતી કે ખડગે માને છે કે આ કેસમાં સામેલ ન હોવાના ગેહલોતના દાવા છતાં, તેમની સંમતિ વિના આવો બળવો થઈ શક્‍યો ન હતો.

ગેહલોત તરફી ધારાસભ્‍યોએ રાજીનામું આપવાની ધમકી આપી હતી. સાથે જ તેમણે સ્‍પષ્ટ કર્યું કે પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી સચિન પાયલટને સીએમ તરીકે સ્‍વીકારશે નહીં. કોંગ્રેસના નેતાઓ ખડગે અને અજય માકને બોલાવેલી બેઠકમાંથી પણ આ ધારાસભ્‍યો ગાયબ થઈ ગયા અને જોશીના નિવાસસ્‍થાને પહોંચ્‍યા.

માકને તેને ‘અનુશાસનહીન' ગણાવ્‍યું અને કેન્‍દ્રીય નેતા ‘ગુસ્‍સો અને અપમાનિત' અનુભવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. તે જ સમયે, આ ઘટનાને ગાંધી પરિવારની પાર્ટી પરની પકડ ગુમાવવાના સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, ગેહલોત કોંગ્રેસ અધ્‍યક્ષ પદની રેસમાંથી બહાર હોય તેવું લાગી રહ્યું છે.

(11:50 am IST)