Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

૧ ઓક્‍ટોબરથી વેપારીઓએ બનાવેલા બિલ સુધારવા માટે માત્ર ૨૪ કલાક

૧૦ કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત : જો વેપારી ઇ-ઇનવોઇસ નહીં બનાવે તો માલ ખરીદનારને આઇટીસી નહીં મળે

મુંબઇ,તા. ૨૭ : જીએસટી વિભાગ દ્વારા જે વેપારીઓનું ટર્નઓવર ૧૦ કરોડ રૂપિયાથી વધારે હોય તેમના માટે ૧ ઓકટોબરથી ઇ-ઇનવોઇસ ફરજિયાત કરવામાં આવ્‍યું છે. જેની ખાસ વાત એ છે કે જો વેપારીને કોઇ પણ બિલમાં સુધારો કરવો હોય કે બિલ કેન્‍સલ કરવેં હોય તો ૨૪ કલાકનો સમય મળશે. ત્‍યારબાદ બિલ જીએસટીઆર-૧માં એટલે કે વેચાણ તરીકે અપડેટ થઇ જશે. ત્‍યારબાદ વેપારી તેને અપડેટ નહીં કરી શકે.

જીએસટી વિભાગનાં સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ બોગસ બિલિંગ રોકવા માટે ડિપાર્ટમેન્‍ટ દ્વારા સતત પ્રયાસો જારી છે. જેના ભાગરૂપે જે વેપારીઓનું ટર્નઓવર ૧૦ કરોડ રૂપિયાથો વધારે હોય તેઓને ઇ-ઇનવોઇસ બનાવવું પડશે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨ સુધી કોઇ પણ વર્ષમાં જો ટર્નઓવર ૧૦ કરોડથી વધારે થયો હશે તો તેઓને પણ ઇ-ઇનવોઇસ બનાવવું પડશે.  સુરતના કાપડ વેપારીઓ તેમજ મોટા ભાગના હીરા વેપારીઓ આ કાયદાના દાયરામાં આવી જશે. તે સિવાય વેપારીઓને કોઇ પણ બિલમાં અપડેટ કરવા માટે ૨૪ કલાકનો સમય રહેશે. ત્‍યારબાદ ઇ-ઇનવોઇસના ડેટા જીએસટીઆર-૧માં આપોઆપ અપડેટ થઇ જશે. તેથી વેપારીઓને બિલ કેન્‍સલ કરવા કે તેમાં કોઇ સુધાર કરતી વખતે ધ્‍યાન રાખવું પડશે. (૨૨.૬)

૧ ઓકટોબરથી ઇ-ઇનવોઇસ ફરજિયાત

જીએસટી ડિપાર્ટમેન્‍ટ દ્વારા બોગસ બિલિંગ અને જીએસટી ચોરીના દૂષણને ડામવા માટે નવી નવી યુકિતઓ અજમાવવામાં આવી રહી છે. જેના અંતર્ગત ડિપાર્ટમેન્‍ટ દ્વારા જ વેપારીઓનો ટર્નઓવર ૧૦ કરોડથી વધુ હોય તેઓને ઇ-ઇનવોઇસ બનાવવું પડશે તેવો કાયદો બનાવવામાં આવ્‍યો છે. જો કોઇ વેપારી ઇ-ઇનવોઇસ નહીં બનાવે તો તેને ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે તે સિવાય વેપારીઓ પાસે પણ બિલમાં કોઇ સુધારો કરવા માટે હવેથી ફકત ૨૪ કલાકનો સમય રહેશે.

-ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ

(10:20 am IST)