Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જર્મની અને યુકેને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી માટે ભારતની એક્સટર્નલ ઓડિટર તરીકે પસંદગી

ભારતના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ જીસી મુર્મુને IAEAના એક્સટર્નલ ઓડિટર તરીકે નિયુક્ત

નવી દિલ્હી :  આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી (IAEA) માટે ભારતને એક્સટર્નલ ઓડિટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. IAEA એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, જે પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપે છે.ભારત 2022થી 2027 સુધી છ વર્ષના સમયગાળા માટે ચૂંટાયું છે. આ પદ માટે ભારતે જર્મની  અને બ્રિટન જેવા દેશોને પાછળ છોડ્યા છે.

ભારતના કન્ટ્રોલર અને ઓડિટર જનરલ જીસી મુર્મુને  IAEAના એક્સટર્નલ ઓડિટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જીસી મુર્મુની ઉમેદવારીને IAEA જનરલ કોન્ફરન્સમાં બહુમતી મળી છે.

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે IAEAના ઓડિટર તરીકે પસંદગી પામવું એ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારતની સ્થિતિની અને CAGની પ્રતિષ્ઠા, પ્રોફેશનાલિઝ્મ અને અનુભવની વૈશ્વિક સ્વીકૃતિને માન્યતા આપે છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે CAGની બિડને IAEA જનરલ કોન્ફરન્સનું બહુમતી સમર્થન મળ્યું હતું, જેના માટે વિવિધ દેશોમાંથી ઘણી બિડ્સ મળી હતી. આ પદ માટે મતદાનના પ્રથમ રાઉન્ડમાં જર્મનીને 36, ભારતને 30, બ્રિટનને 8, રશિયાને 11, તુર્કીને 9, ઇજિપ્તને 20, દક્ષિણ કોરિયાને 2 અને ફિલિપાઇન્સને 7 મત મળ્યા હતા. બીજા રાઉન્ડમાં ભારત અને જર્મની વચ્ચેની દોડમાં ભારતે યુરોપિયન દેશને હરાવ્યો.

(11:22 pm IST)