Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

દિલ્‍હીના પ્રાણી સંગ્રહાલયમાં ગુજરાતના 3 સિંહોની ત્રાડ સંભળાશેઃ વનરાજના બદલામાં હિપોપોટેમસ મળશે

હાલમાં 4 સિંહો છે જેની સંખ્‍યામાં વધારો કરાશે

અમદાવાદઃ ગુજરાતના ત્રણ સિંહો આજે દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ગર્જના કરી શકે છે. વહીવટીતંત્રને આશા છે કે ગુજરાતથી દિલ્હી લઇ જવામાં આવતા ત્રણ સિંહ સોમવારે સવારે પહોંચી શકે છે. તેમના આગમન બાદ ઝૂમાં સિંહોની કુલ સંખ્યા વધીને સાત થઈ જશે. ત્યારે તેના બદલામાં દિલ્હીથી હિપ્પોપોટેમસ ગુજરાત મોકલવામાં આવશે.

હકીકતમાં, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ ગત મહિને જ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ અંતર્ગત ગુજરાતના સરદાર પટેલ ઝૂમાંથી બે નર અને એક માદા સિંહોને દિલ્હી મોકલવામાં આવશે. જો કે, સમગ્ર સપ્ટેમ્બર મહિનામાં સતત વરસાદને કારણે એનિમલ એક્સચેન્જ કાર્યક્રમમાં વિલંબ થઈ રહ્યો હતો. પ્રાણી સંગ્રહાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, વન્યજીવોને અન્ય પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવા માટે પણ હવામાન મહત્વની ભૂમિકા ભજવે છે.

કારણ કે, વન્યજીવોને ત્યારે જ લાવી શકાય જ્યારે તાપમાન સામાન્ય હોય. વધુ પડતી ગરમી કે વરસાદની સ્થિતિમાં વન્યજીવોનું આરોગ્ય બગડવાનો ભય રહે છે. તેથી વહીવટતંત્ર યોગ્ય હવામાન અને વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યું હતું. જો કે, અત્યારે દિલ્હીમાં વરસાદ બંધ થઈ ગયો છે અને શિયાળો શરૂ થવાનો છે. તેથી, વન્યજીવોને લાવવા અને લઈ જવા માટે આ ઋતુ અનુકૂળ છે.

ચાર સિંહોને જોવા આવે છે પ્રવાસીઓ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં હાલમાં ચાર સિંહ છે. તેમાં સુંદરમ, અખિલા, રોહન અને હેમાનો સામેલ છે. અગાઉ અમાન નામનો સિંહ પણ હતો, પરંતુ થોડા સમય પહેલા તેની તબિયત ખરાબ થવાને કારણે તેનું મોત થયું હતું. ત્યારથી વહીવટીતંત્ર સતત બીજા સિંહ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રાણી સંગ્રહાલય તરફથી ગ્રીન સિગ્નલ મળતું ન હતું. ગત મહિને ગુજરાત ઝૂ દ્વારા માત્ર ત્રણ સિંહોને મંજૂરી આપવામાં આવી હતી.

(5:41 pm IST)