Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ડિજિટલ હેલ્થ મિશન : યુનિક આઈડી કાર્ડ આપવામાં આવશે

દેશમાં ક્યાંય પણ હેલ્થ રિપોર્ટ કે પ્રિસ્ક્રિપ્શન લઈ જવાની જરૂર નહીં રહે : વડાપ્રધાને મિશનની શરૂઆત કરી, ડોક્ટર કાર્ડ જોઈને જ જાણકારી મેળવી લેશે કે જે-તે વ્યક્તિને પહેલા કઈ બીમારી હતી, કેવી સારવાર લેવામાં આવી છે

નવી દિલ્હી, તા.૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનની શરુઆત કરી. મિશન અંતર્ગત દેશના તમામ લોકોને એક યુનીક આઈડી કાર્ડ આપવામાં આવશે, જેમાં તેમના સ્વાસ્થ્યને લગતી તમામ જાણકારી હશે. આનો સૌથી મોટો ફાયદો થશે કે જો તમે દેશના કોઈ પણ ખૂણામાં સારવાર માટે જશો તો તમારે કોઈ રિપોર્ટ અથવા પ્રિસ્ક્રિપ્શન વગેરે સાથે લઈ જવાની જરુર નથી. ડોક્ટર તમારું કાર્ડ જોઈને જાણકારી મેળવી લેશે કે તમને પહેલા કઈ બીમારી હતી તેમજ ક્યાં અને કેવી સારવાર લેવામાં આવી છે. પહેલા મિશનનું નામ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ લાલ કિલ્લાથી યોજનાની જાહેરાત કરી હતી. અત્યારે યોજના અંદમાન-નિકોબાર, ચંદીગઢ, દાદર નગર હવેલી, દમણ-દીવ,લદ્દાખ અને લક્ષદ્વીપમાં ચાલી રહી હતી. હવે યોજનાને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. મિશનનો હેતુ છે કે દરેક વ્યક્તિની હેલ્થકેર સર્વિસ આપનારી સંસ્થાઓ સુધી પહોંચ સરળ બની જાય.

મિશનને લોન્ચ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પાછલા સાત વર્ષમાં દેશની સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવા માટે જે અભિયાન ચાલી રહ્યું છે તે હવે નવા ચરણમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આજે એક એવા મિશનની શરુઆત થઈ રહી છે, જેમાં ભારતની સ્વાસ્થ્ય સુવિધાઓમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા છે. આજે દેશમાં ૧૩૦ કરોડ આધાર નંબર, ૧૧૮ કરોડ મોબાઈલ સબ્સક્રાઈબર્સ, લગભગ ૮૦ કરોડ ઈન્ટરનેટ યુઝર અને લગભગ ૪૩ કરોડ જનધન બેક્ન ખાતા છે. આટલું મોટું કનેક્ટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દુનિયામાં ક્યાંય નથી. ડિજિટલ માળખું રેશનિંગથી લઈને પ્રશાસન સુધી પારદર્શિતા સાથે સામાન્ય ભારતીયો સુધી પહોંચી રહ્યું છે.

કોરોનાકાળમાં ટેલિમેડિસિનનો પણ અભૂતપૂર્વ વિસ્તાર થયો છે. -સંજીવનીના માધ્યમથી અત્યાર સુધી લગભગ સવા કરોડ રિમોટ કન્સલ્ટેશન પૂરા થઈ ચૂક્યા છે. સુવિધાની મદદથી દેશના ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો પણ ઘરે બેઠા બેઠા શહેરની મોટી હોસ્પિટલોના ડોક્ટર સાથે સંપર્ક સાધી શકે છે. આયુષ્માન ભારતે ગરીબ માણસના જીવનની મોટી ચિંતા દૂર કરી છે. અત્યાર સુધી બે કરોડથી વધારે દેશવાસીઓએ યોજના અંતર્ગત વિનામૂલ્યે સારવારની સુવિધાનો લાભ લીધો છે. તેમાંથી અડધા લાભાર્થી આપણી માતાઓ, બહેનો, દીકરીઓ છે.

પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત એક યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે, જે એક પ્રકારનું ઓળખ પત્ર હશે. તે આધાર સમાન હશે, જેનો ૧૪ અંકોનો એક નંબર જનરેટ કરવામાં આવશે. નંબરની મદદથી દર્દીની અંગત મેડિકલ હિસ્ટ્રી જાણી શકાશે. કાર્ડ આધારના માધ્યમથી પણ બનાવી શકાશે અને મોબાઈલ નંબરની મદદથી પણ બનાવી શકાશે. દેશના કોઈ પણ ખૂણામાં તમે સારવાર માટે જશો તો તમારે રિપોર્ટ અથવા પ્રિસ્ક્રિપ્શન વગેરે લઈ જવાની જરુર નહીં પડે. કારણકે તમામ માહિતી હેલ્થ કાર્ડમાં હશે.

દરેક દર્દીનો મેડિકલ ડેટા રાખવા માટે હોસ્પિટલ, ક્લીનિક અને ડોક્ટર્સને એક સેન્ટ્રલ સર્વર સાથે લિંક કરવામાં આવશે. એટલે કે હોસ્પિટલ, ક્લીનિક અને ડોક્ટર પણ રજિસ્ટર હશે. જો કે સરકાર અત્યારે તેને કોઈના માટે ફરજિયાત નહીં કરે. પરંતુ પ્રયત્ન કરવામાં આવશે કે ધીરે ધીરે તમામ લોકો આ સિસ્ટમ સાથે જોડાઈ જાય.

(7:51 pm IST)