Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વાણિજ્ય મંત્રાલયનો કડક નિર્દેશ

છ ઓકટોબરથી કોડ અપડેટ કરાવ્યા વિના નહીં કરી શકાય આયાત - નિકાસ

નવી દિલ્હી તા. ૨૭ : વાણીજ્ય મંત્રાલયે રવિવારે નિર્દેશ જાહેર કરતા કહ્યું કે જેમના કોડ જાન્યુઆરી ૨૦૦૫ પછી અપડેટ નથી થયા તેવા આયાત - નિકાસકારના કોડ ૬ ઓકટોબરથી નિષ્ક્રીય કરી દેવાશે. મંત્રાલયે કહ્યું કે, આ પગલું દેશમાં સાચા વેપારીઓની સંખ્યા જાણવા માટે લેવાઇ રહ્યું છે.

મંત્રાલય અનુસાર, આયાત - નિકાસકાર કોડ (આઇઇસી) એક પ્રકારનો ધંધાકીય ઓળખ નંબર હોય છે. વિદેશ વ્યાપાર ડાયરેકટરોટ (ડીજીએફટી) તરફથી અપાતા આ કોડ નંબર વગર કોઇ પણ વેપારી આયાત અથવા નિકાસ નથી કરી શકતો.

ડીજીએફટીએ ગત ૮ ઓગસ્ટે જાહેર કરેલ નિર્દેશમાં કહ્યું હતું કે, બધા આઇઇસી ધારકોએ તેમાં સામેલ વિવરણ દર વર્ષે એપ્રિલ-જૂનમાં ઇલેકટ્રોનિક રૂપે અપડેટ કરાવવું જરૂરી છે. જો કોઇ વેપારીનો આઇસીસી નંબર ૧ જાન્યુઆરી ૨૦૦૫ પછી અપડેટ નહીં થયો હોય તો તેને ૬ ઓકટોબરથી નિષ્ક્રીય કરી દેવાશે.

આ વેપારીઓને ૫ ઓકટોબર સુધીનો સમય અપાયો છે તે દરમિયાન તે પોતાના આઇઇસી નંબરને અપડેટ કરી શકે છે. ૬ ઓકટોબર પછી આઇઇસી કોડને ફરીથી સક્રિય કરવા માટે વેપારીઓએ ડીજીએફટીની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવી પડશે. અપડેટ થયા પછી તેને ફરી સક્રિય કરી દેવામાં આવશે.

(3:34 pm IST)