Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

૨૪ કલાકમાં ૨૬,૦૪૧ લોકો સંક્રમિત ૨૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્‍યા

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના કેસોમાં ઘટાડોઃ એક્‍ટિવ કેસ ૩ લાખથી ઓછા

નવી દિલ્‍હી, તા.૨૭: દેશવાસીઓ માટે સોમવાર સવારે રાહતના સમાચાર આવ્‍યા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્‍યામાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત એક્‍ટિવ કેસ પણ દ્યણા લાંબા સમય બાદ ૩ લાખથી નીચે પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હાલમાં કોરોના મહામારીની સૌથી ગંભીર અસર કેરળમાં જોવા મળી રહી છે. અહીં એક દિવસમાં ૧૫,૯૫૧ કેસ નોંધાયા છે જયારે ૧૬૫ દર્દીનાં મોત થયા છે. તેની તુલનામાં ગુજરાતમાં કોરોના કેસોની સંખ્‍યા કાબૂમાં છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લોકો સંક્રમિત થયા છે.
સોમવાર સવારે કેન્‍દ્રીય આરોગ્‍ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૬,૦૪૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્‍યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૩,૩૬,૭૮,૭૮૬ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૬,૦૧,૫૯,૦૧૧ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૧૮,૩૬૨ કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવ્‍યા છે.
કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૯ લાખ ૩૧ હજાર ૯૭૨ લોકો સાજા પણ થઇ ચૂક્‍યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૯,૬૨૧ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૨,૯૯,૬૨૦ એક્‍ટિવ કેસ છે. અત્‍યાર સુધીમાં કુલ ૪,૪૭,૧૯૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજી તરફ, ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૬,૩૨,૪૩,૨૪૫ કોરોના સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે. શનિવારના ૨૪ કલાકમાં ૧૪,૮૮,૯૪૫ સેમ્‍પલનું ટેસ્‍ટિંગ કરવામાં આવ્‍યું છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૧ કેસ નોંધાયા છે, ૧૯ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્‍યાર સુધીમાં કુલ ૮,૧૫,૬૧૮ દર્દીઓએ કોરોનાને મ્‍હાત આપી છે. રાજયમાં કોરોનાનો રિકવરી રેટ પણ ૯૮.૭૬ ટકા થયો છે.
ગુજરાતમાં હાલ ૧૫૧ એક્‍ટિવ કેસ છે, જે પૈકી ૦૩ વેન્‍ટીલેટર પર છે, જયારે ૧૪૮ સ્‍ટેબલ છે. કુલ ૮,૧૫,૬૧૮ નાગરિકોને ડીસ્‍ચાર્જ કરવામાં આવ્‍યા છે. ૧૦૦૮૨ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં ૭, સુરત કોર્પોરેશનમાં ૫, વડોદરા કોર્પોરેશનમાં ૪, અમરેલી ૧, ભાવનગર કોર્પોરેશન ૧, ખેડા ૧, સુરત ૧ અને વલસાડમાં ૧ કેસ નોંધાયો છે.

 

(11:11 am IST)