Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

એક વ્યક્તિએ પીએમ આવશે તો જ રસી લઈશ તેવી જીદ કરી

મધ્યપ્રદેશના એક વ્યક્તિએ કરી અજીબોગરીબ માગ : રસીકરણ અભિયાનમાં એક વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિની માગ કરતાં ખુદ અધિકારીઓ ચોંકી ઉઠ્યા

ઈન્દોર, તા.૨૬ : કોરોનાની બીજી લહેર બાદ એક્સપર્ટ ત્રીજી લહેર આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે દેશમાં વધુમાં વધુ લોકોને કોરોનાની રસી આપવા માટે સરકાર પણ તમામ પ્રયત્નો કરી રહી છે. પણ આ વચ્ચે મધ્યપ્રદેશથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ એવી જીદ પકડીને બેઠો છે કે, તે પીએમ મોદીની સામે જ રસી લેશે. હવે આ વ્યક્તિની જીદથી અધિકારીઓ પણ પરેશાન થઈ ગયા છે.

આજે પણ રસી લેવા માટે લોકો કેટલાય બહાના બતાવતાં હોય છે. પણ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના એક વ્યક્તિએ તો એવું કહી દીધું કે, તે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ ત્યારે જ લગાવશે જ્યારે પીએમ મોદી હાજર રહેશે. આ કિસ્સો ધાર જિલ્લાના દાહીનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ આદિવાસી ગામ કિકરવાસમાં પહોંચી હતી. અહીં સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા ૧૮ વર્ષથી ઉપરનાં તમામ લોકોનું રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી.

રસીકરણની કામગીરી વચ્ચે એક વ્યક્તિએ રસી લેવાનો સ્પષ્ટ ઈક્નાર કરી દીધો હતો. અધિકારીઓએ તેને અનેક વખત સમજાવ્યો, પણ તે માન્યો જ નહીં. અંતે અધિકારીઓએ તેને પુછ્યું કે, કોને બોલાવીએ કે જેથી તમે રસી મુકાવશો. તો તે શખ્સે કહ્યું કે, કોઈ મોટા અધિકારીને બોલાવો. સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટને બોલાવીએ. તો તે શખ્સે કહ્યું કે, ના જીડ્ઢસ્ નહીં પણ પીએમ મોદીને ફોન કરીને બોલાવવા માટે કહો. તે રસી લગાવશે પણ ફક્ત પીએમ મોદીની સામે.

આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો છે. અને આ વ્યક્તિની જીદ સાંભળી લોકો હસી હસીને લોથપોથ થઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે, આખા ગામમાં આ વ્યક્તિ અને તેની પત્નીએ જ રસી લગાવી નથી. જો કે, અધિકારીઓએ પણ હાર માની ન હતી. તેઓએ કહ્યું કે, અમે ફરીથી આવીશું અને તેને ફરીથી રસી લેવા માટે સમજાવીશું.

(12:00 am IST)