Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમે દુશ્મન નથી, PM મોદી અમારા પણ નેતા છે : સંજય રાઉત

ફડણવીસ સાથેની મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું : શિવસેનાને ના છૂટકે એનડીએથી બહાર જવું પડ્યું હતું, હવે અકાળી દળે પણ આવું જ કર્યું : શિવસેના નેતા રાઉત

નવી દિલ્હી,તા.૨૭ : મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના સાંસદ સંજય રાઉતની વચ્ચે શનિવારશે થયેલી મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ફરી ગરમાવો આવી ગયો છે અને તેમની આ મુલાકાત પર ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ સંજય રાઉતે ફડણવીસની સાથે થયેલી તેમની મુલાકાતને લઈ પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે આ પહેલાથી નક્કી થયેલી મુલાકાત હતી. શિવસેનાના મુખપત્ર સામનાને લઈ તેઓએ ફડણવીસ સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, એવામાં તેઓ ઉદ્વવ ઠાકરેના નેતા છે. તેઓ અમારા નેતા પણ છે. દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાતને લઈ પ્રતિક્રિયા આપતાં સંજય રાઉતે જણાવ્યું કે, ફડણવીસ અમારા દુશ્મન નથી, અમે તેમની સાથે કામ કર્યું છે. તેમની સાથે મારી મુલાકાત સામનાને લઈને થઈ. આ મુલાકાત વિશે ઉદ્ધવ ઠાકરેને જાણકારી છે.

           અમારી વિચારધારામાં અંતર છે, પરંતુ અમે એક-બીજાના દુશ્મન નથી. એનડીએથી અકાળી દળના અલગ થવા અંગે સંજય રાઉતે કહ્યું કે આ બીજેપી માટે મોટો આંચકો છે. તેઓએ કહ્યું કે શિવસેના અને અકાળી દળ વગર એનડીએ અપૂર્ણ છે. આ બંને તેના મજબૂત સ્તંભ હતા. સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાને ન છૂટકે એનડીએથી બહાર જવું પડ્યું હતું. હવે અકાળી દળે પણ આવું જ કર્યું. એનડીએને હવે નવા સાથી મળી ગયા છે. હું તેમને શુભકામનાઓ આપું છું. જે ગઠબંધનમાં શિવસેના અને અકાળી દળ નથી, હું તેને એનડીએ નથી માનતો. સંજય રાઉતે એક હોટલલમાં ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. રાઉત ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ સત્તાની વહેંચણીના ફોર્યૂં લાને લઈને બીજેપી વિરોધી વલણને લઈ ચર્ચામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર બીજેપીના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું કે, આ મુલાકાતનો કોઈ રાજકીય અર્થ નથી. શિવસેના અને બીજેપીએ ગત વિધાનસભા ચૂંટણી મળીને લડી હતી, પરંતુ ચૂંટણી બાદ સત્તામાં ભાગીદારીેન લઈ ઉદ્ધવ ઠાકરેની આગેવાની પાર્ટી બીજેપીનો સાથ છોડીને જતી રહી હતી અને એનસીપી તથા કૉંગ્રેસની સાથે મળી મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી હતી.

(7:30 pm IST)