Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

૩૫૦૦૦ કરોડનું પેકેજ હશે ?

ઇકોનોમીમાં પ્રાણ ફુંકવા વધુ એક રાહત પેકેજ આવશે

નવી દિલ્હી તા. ૨૬ : કોરોના વાયરસ સંકટને લઈને હાલમાં દેશની અર્થવ્યવસ્થામાં પહેલા જેવી સ્થિતિ રહી નથી, ભરતીય અર્થતંત્ર પહેયલ થી જ મંદીનો સામનો કરી રહ્યું હતું, જો કે કોરોના વાયરસ સંકટના લીધે તેની રિકવરી શકય બની શકી નહોતી, સાથે જ દેશમાં લગાવાયેલા લોકડાઉન લીધે આ સ્થિતિ વધુ બગડી હતી. હાલમાં દેશમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતા વધુ પ્રભાવિત થઈ ચૂકી છે. જેને લઈને કરોડો લોકો તેનો રોજગાર ગૂમાવી ચૂકયા હોવાના ઘણા અહેવાલો પણ આવ્યા હતા.

હાલમાં દેશમાં બેરોજગારી તેના ચરમ પર છે , જેને લઈને ઘણા અભ્યાસના અહેવાલો પણ બહાર આવ્યા છે, ખાસ કરીને નાના શહેરી અને ગ્રામીણ  ક્ષેત્રોમાં કરોડો લોકોએ તેમની નોકરી અને રોજગારીથી હાથ ધોવા પડ્યા હોવાનુ સામે આવ્યું છે. જેને લઈને મોદી સરકાર એકિટવ બની છે, અને હવે અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે વધુ એક રાહત પેકેજ ની ઘોષણા કરી શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સરકારના સૂચિત રાહત પેકેજની સાઈઝ ૩૫ હજાર કરોડ રૂપિયા જેટલી રહી હોઈ શકે છે, અને આ પેકેજ નું મુખ્ય ફોકસ મુખ્યત્વે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં નવી નોકરીઓ અને રોજગારી ઊભી કરવા પર રહેશે, ખાસ કરીને એવા લોકો જેમના રોજગાર આ સ્થિતિમાં પ્રભાવિત થયા છે તેમણે કેન્દ્રિત કરવામાં આવશે.

૩૫ હજાર કરોડ રૂપિયાના આ ફિસ્કલ સ્ટિમ્યુલસ પેકેજમાં અર્બન જોબ સ્કીમ, રૂરલ જોબ્સ, મોટાપાયે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ, ખેડૂતો માટે નવી સ્કીમ અને વધારેમાં વધારે કેશ ટ્રાન્સફર પર ફોકસ હશે. સરકાર આ વર્ષે ૨૫ મોટા પ્રોજેકટસ પુરા કરવા માગે છે, જેનાથી બેરોજગારી સંકટને ઘટાડી શકાય.

સૂત્રોએ જણાવેલી માહિતી અનુસાર તહેવારોની સીઝન આવતા પહેલા આ રાહત પેકેજ નું એલાન થઈ શકે છે. કન્ઝયુમર બેઝડ કંપનીઓ ખાસ કરીને ઓટોમોબાઈલ સેકટર અને ઈલેકટ્રોનિક આઈટમ બનાવતી કંપનીઓ માટે આ નાણાકીય વર્ષનું ત્રીજું ત્રિમાસિક ખુબ જ મહત્વપુર્ણ છે. તેવામાં કેન્દ્ર સરકાર પેકેજ ની ઘોષણા કરીને ડિમાન્ડ વધારવા ઈચ્છે છે, જેથી અર્થતંત્રને પાટે ચઢાવી શકાય.

મોદી સરકાર હાલમાં એવા પ્રોજેકટસને પ્રોત્સાહન આપવા જઈ રહી છે કે જેનાથી વધુમાં વધુ રોજગારીના અવસર પેદા થઈ શકે. અધિકારીઓએ કહ્યું હતું કે અમે ૨૫ જેટલા એવાં પ્રોજેકટસની ઓળખાણ કરી લીધી છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે નોકરીઓનું સર્જન કરી શકાય છે. આ નોકરીઓ સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને પ્રકારના લોકો માટે હશે. આ બધાની સાથે સરકાર ની એક યોજના એ પણ છે કે લોકોને મફતમાં અનાજ આપી શકાય.

સરકારી અધિકારીઓ એ એક પ્રાઇવેટ ચેનલને જણાવ્યું હતું કે , મનરેગાની જેમ કેન્દ્ર સરકાર અર્બન અને સેમી અર્બન એરિયા માટે એક જોબ પ્રોગ્રામ લોન્ચ કરશે. આ માટેની તૈયારીઓ હાલમાં અંતિમ સ્ટેજમાં છે. આ માટે ડ્રાફટ કેબિનેટ નોટ તૈયાર કરવામાં આવી છે. આ યોજના મોટા શહેરોમાં લાગુ થતાં પહેલાં ટિયર ૩ અને ટિયર ૪ શહેરો એટલે કે નાના શહેરોમાં પહેલાં લાગુ થશે અને તે બાદ મોટા શહેરોમાં લાગુ કરવામાં આવી શકશે.

(12:00 am IST)